Site icon Revoi.in

લચિત બરફૂકન જન્મજયંતિ : એ આસામી સેનાપતિ, જેના સૈનિકો મોગલો સામે રાક્ષસવેશે લડ્યા હતા.

Social Share

દિલ્હી : આસામ  સરકાર દ્વારા  24 નવેમ્બર 2022 ના રોજ યોદ્ધા લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 થી 25 નવેમ્બર સુધી, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આસામ સરકાર દ્વારા બરફૂકનની જન્મજયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્યવાદને સફળતાપૂર્વક પડકારનાર લચિતને આસામી સમાજમાં નાયક તરીકે આદર આપવામાં આવે છે અને 1930થી દર વર્ષે તેમની જન્મજયંતિ સમગ્ર આસામમાં ‘લચિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમની યાદમાં 1999 માં, ભારતીય સેનાએ દર વર્ષે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ના શ્રેષ્ઠ કેડેટને લચિત બરફૂકન ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કર્યું. 1930માં અહોમ વિદ્વાન ગોલપ ચંદ્ર બરુઆએ દેવધાય પંડિત પાસે ઉપલબ્ધ બુરાંજી  (શાબ્દિક રીતે – અજ્ઞાત વાર્તાઓનો ભંડાર, આસામના પ્રાચીન પંડિતોના ઇતિહાસની પોથીઓ) નો મૂળ સહિત અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તેમાં પણ લચિત બરફૂકનની વાર્તા  વિસ્તારથી કહેવાઈ છે.

આઝાદી પછી તરત જ 1947માં, આસામ સરકારે તેમના પર ઇતિહાસકાર એસ.કે. ભુઈયા દ્વારા લખાયેલ પુસ્તક ‘લચિત બરફૂકન એન્ડ હિઝ ટાઈમ્સ’ પ્રકાશિત કર્યું હતું અને અમર ચિત્રકથા શ્રેણી હેઠળ તેમના પર એક કોમિક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ હજી આસામની બહાર બહુ ઓછાં લોકો તેમને ઓળખે છે.

અહોમ વંશ અને મુઘલ આક્રમણ :

1970માં પ્રકાશિત તેમના પુસ્તક ‘આસામ ઇન અહોમ એજ’માં નિર્મલ કુમાર બાસુ જણાવે છે કે,  તેરમી સદીમાં આસામમાં અહોમ વંશનું વર્ચસ્વ સ્થાપિત થયું હતું. મહાન તાઈ વંશની શાન શાખાના અહોમ યોદ્ધાઓએ, સુખપાના નેતૃત્વ હેઠળ, સ્થાનિક નાગાઓને હરાવીને વર્તમાન આસામ પર કબજો મેળવ્યો અને પછી છેક  600 વર્ષ સુધી તેમણે આસામ પર આધિપત્ય જમાવ્યું.

આ વિસ્તારનું વર્તમાનનું નામ આસામ પણ આ અહોમ વંશના નામે છે. અહોમ વંશનો પ્રારંભિક ધર્મ બાંગફી તાઈ ધર્મ, બૌદ્ધ ધર્મ અને સ્થાનિક ધર્મનું મિશ્રણ હતું અને 2010ની સૂચના અને માહિતી અધિકાર મંત્રાલયની ડોક્યુમેન્ટ્રી કે જેનું નિર્દેશન તપન કુમાર ગોગોઈ દ્વારા કરવામાં આવ્યું હતું તે ‘હિઝ મેજેસ્ટી ધ અહોમ્સ’ મુજબ છેક અઢારમી સદીમાં પહોંચ્યાં ત્યારે ત્યાં પૂરી રીતે હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી.

બાસુના મતે, સોળમી સદીથી જ ત્યાં વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વધવા લાગ્યો હતો. બાસુ જણાવે છે કે સામાન્ય રીતે અહોમ રાજાઓ અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ સહિષ્ણુ હતા. સત્તરમી સદીના આરંભ સુધીમાં, આસામ અહોમ શાસકો હેઠળ સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય હતું અને તેની સીમાઓ પશ્ચિમમાં મનહા નદીથી પૂર્વમાં સાદિયાની ટેકરીઓ સુધી લગભગ 600 માઈલમાં વિસ્તરેલી હતી, જેની સરેરાશ પહોળાઈ પચાસથી સાઠ માઈલ હતી. તિબેટ જવાના ઘણાં માર્ગો સાદિયાની ટેકરીઓ બાજુએથી ખૂલતા હતા, જ્યારે મનહા નદીનો પૂર્વી કાંઠો મુઘલ સામ્રાજ્યની સરહદ હતો.

તે દિવસોમાં, રાજ્યની રાજધાની પૂર્વીય ક્ષેત્રમાં ગરગાંવ હતી અને ગુવાહાટી એ લોઅર આસામના વડા બરફૂકનનું મુખ્ય મથક હતું. આ સમયગાળો વધતા મુઘલ પ્રભાવનો હતો અને 1639માં, અહોમ સેનાપતિ મોમાઈ-તામૂલી બરબરુઆ અને મુઘલ સેનાપતિ અલ્લા યાર ખાન વચ્ચેની સંધિમાં, ગુવાહાટી સહિત પશ્ચિમ આસામ મુઘલોના હાથમાં જતું રહ્યું. પરંતુ 1648માં અહોમ સામ્રાજ્યના પ્રમુખ  બનેલા રાજા જયધ્વજ સિંહે શાહજહાંની માંદગીનો ફાયદો ઉઠાવીને મુઘલોને મનહા (માનસ) નદીની પેલે પાર ધકેલી દીધાં અને ઢાકા પાસેના મુઘલ પ્રદેશો કબજે કરીને અનેક મુઘલ સૈનિકોને બંદી બનાવી લીધા. તે જ સમયે, કૂચ બિહારે પણ પોતાને સ્વતંત્ર જાહેર કર્યું.

મીર જુમલાની ઝુંબેશ :

દિલ્હીની સત્તા પર કબજો જમાવ્યા પછી,  ઔરંગઝેબે મીર જુમલાને પૂર્વ ભારતમાં મુઘલ વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવા મોકલ્યો. કૂચ બિહાર જીત્યા પછી, મીર જુમલા 1662ની શરૂઆતમાં આસામ પહોંચ્યો અને મનહા નદીથી ગુવાહાટી વચ્ચેનો વિસ્તાર સરળતાથી જીતીને આગળ વધ્યો. ઈતિહાસકાર ભુઈયા જણાવે છે કે એક કાયસ્થને લોઅર આસામના શાસક તરીકે નિમણૂક કરવાના રાજાના નિર્ણયથી સામંત વર્ગ નારાજ થયો હતો. જો કે મુઘલ સૈન્યના કાલિયાબાર પહોંચ્યા પછી અહોમ સૈનિકો સતર્ક હતા, તેમ છતાં મીર જુમલાના સેનાપતિ દિલેર ખાન દાઉદઝાઈએ 26 ફેબ્રુઆરી 1662ના રોજ સિમલુગઢનો કિલ્લો જીતી લીધો. રાજા જયધ્વજ સિંહ પહાડો પર ભાગી ગયા અને 17 માર્ચ 1662ના રોજ મીર જુમલાએ રાજધાની ગરગાંવ પર કબજો કર્યો. પરંતુ આસામી જનતાએ પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું અને જયધ્વજ સિંહના માર્ગદર્શન હેઠળના સંઘર્ષ દરમિયાન મીર જુમલાને પણ અહેસાસ  થયો કે ત્યાં ટકી રહેવામાં કોઈ શાણપણ નથી. છેવટે, જાન્યુઆરી 1663માં, ઘીલાઝારી ઘાટ ખાતે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં અહોમ રાજાએ પશ્ચિમ આસામને મુઘલોને સોંપી દીધું અને યુદ્ધની ભરપાઈ  તરીકે ત્રણ લાખ રૂપિયા અને નેવું હાથીઓની સાથે વીસ હાથીઓની વાર્ષિક નજરાણું આપવાનું વચન આપ્યું. ઉપરાંત, તેમણે પોતાની એકમાત્ર પુત્રી અને ભત્રીજીને મુઘલ હરમમાં મોકલી. આ પછી, ફેબ્રુઆરી 1663 માં, મીર જુમલો 12000 આસામી બંધકો સાથે, લોઅર આસામની કમાન રાશિદ ખાનને સોંપીને પાછો ગયો.

લચિત બરફૂકને પાસો પલટ્યો :

સંધિ પછી, જો કે રાજાએ ઉપર ઉપર સંધિની શરતો નિભાવતો રહ્યો, પરંતુ અંદરથી તેણે પોતાના રાજ્યને મુઘલોના આધિપત્યમાંથી મુક્ત કરવાનો પૂરતો પ્રયાસ પણ ચાલુ રાખ્યો. પોતાની સેનાને મજબૂત કરવા ઉપરાંત તેમણે આસપાસના રાજ્યોને પણ સહયોગની અપીલ કરી હતી. પરંતુ નવેમ્બર 1663માં રાજા જયધ્વજ સિંહનું અવસાન થયું અને તેમના પિતરાઈ ભાઈ ચક્રધ્વજ સિંહ નવા શાસક બન્યા.

નવા રાજાએ પદ સંભાળતાની સાથે જ મુઘલ સેના સામે લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો, પરંતુ મંત્રીઓ અને દરબારીઓની સલાહ પર આવનારા બે વર્ષ માટે દરેક પ્રકારની તૈયારી કરવામાં આવી. આમાં યુદ્ધ માટે પૂરતા પ્રમાણમાં અનાજની વ્યવસ્થા, સેનાઓનું પુનર્ગઠન અને નૌકાદળનું મજબૂતીકરણ સામેલ હતું. હવે સૌથી મોટો પ્રશ્ન અહોમ સેના માટે સેનાપતિની ચૂંટણીનો હતો. અઠવાડિયાઓ સુધી ચાલેલી મંત્રણાઓ પછી આ જવાબદારી લચિત બરફૂકનને આપવામાં આવી. લચિત બરફૂકન ભૂતપૂર્વ જનરલ મોમાઈ-તામુલી બરબરુઆનો સૌથી નાનો પુત્ર હતો જેણે જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન મુઘલ સેના સાથે યુદ્ધ કર્યું હતું.  લચિતની બહેન પાખરી ગભારુના લગ્ન રાજા જયધ્વજ સિંહ સાથે થયા હતા અને તેમની પુત્રી રમાણી ગભારુના લગ્ન ઘીલાઝારી ઘાટ સંધિ અનુસાર ઔરંગઝેબના ત્રીજા પુત્ર સુલતાન આઝમ સાથે થયા હતા.

લચિતનું લશ્કરી અને અન્ય શિક્ષણ એક વરિષ્ઠ સરદાર જેવું જ થયું હતું અને તે અહોમ સૈન્યમાં સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યો, તે પહેલાં ઘોડા-બરુઆ (અશ્વદળના વડા), દુલિયા બરુઆ, સિમલગુરિયા ફુકન (કર વસૂલાતના વડા) અને ડોલાકશારિન બરુઆ (પોલીસ પ્રમુખ) રહી ચૂકયા હતા. આ પદો સંભાળતી વખતે તેમણે જે ક્ષમતા દર્શાવી હતી તેના કારણે તેમને અહોમ સેનાપતિની જવાબદારી સોંપવામાં આવી હતી. મુકાબલો તે સમયની સૌથી મજબૂત મુઘલ સેના સાથે હતો અને પડકાર સરળ ન હતો. પરંતુ લચિત બરફૂકને પોતાની સૂઝ-બૂઝ અને બહાદુરીથી જે કર્યું તે ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઇ ગયું.

રાજા રામ સિંહ સાથે યુદ્ધ અને એન્કાઉન્ટરની શરૂઆત :

20 ઓગસ્ટ 1667ના રોજ, અહોમ સૈન્યએ મુઘલો પાસેથી પોતાની જમીન છીનવી લેવા પ્રસ્થાન કર્યું. લાંબી લડાઈ પછી 2 નવેમ્બર 1667ના રોજ  તેમણે  ઇટાખુલીનો મહત્વપૂર્ણ કિલ્લો અને ગુવાહાટી પર નિયંત્રણ મેળવ્યું. દુશ્મનને મનહા નદીની પેલે પાર મોકલવામાં આવ્યો અને મીર જુમલાના બંધક અહોમ સૈનિકોને છોડાવવાની સાથે, ઘણા મુઘલ સરદારોની પણ ધરપકડ કરવામાં આવી. નવા જીતેલા વિસ્તારોને કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં કોઈપણ હુમલાનો સામનો કરી શકાય. ઔરંગઝેબ પણ ચૂપ બેસવાવાળો નહોતો. તેણે રાજા જય સિંહના પુત્ર રાજા રામ સિંહને આસામ પર ફરીથી કબજો કરવા મોકલ્યો. એક તરફ ઈતિહાસકાર ભુઈયા આ વાતને તેમની યોગ્યતાનું સન્માન કહે છે અને બીજી તરફ, શિવાજી અને ગુરુ તેગ બહાદુર બંને રામસિંહની દેખરેખથી બચીને ભાગવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મુઘલો રામસિંહ પર ગુસ્સે થયા હતા. એવું કહેવાય છે કે આ ઘટનાઓ પછી, જયસિંહને રામસિંહની પદવી અને કોર્ટમાં જોડાવાના અધિકારથી એટલું દુઃખ પહોંચ્યું  કે તેણે પોતાનો જીવ આપી દીધો. જયસિંહના મૃત્યુ પછી, રામસિંહને પદવી અને અધિકાર તો મળ્યાં, પરંતુ મનમાં એક ડંખ રહી ગયો.

મીર જુમલાના મૃત્યુ પછી, સમ્રાટની નજરમાં રામસિંહ સૌથી સક્ષમ વ્યક્તિ હતા અને 6 જાન્યુઆરી 1668 ના રોજ, તેમને આસામ આક્રમણના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે નેવીની કમાન ઈસ્માઈલ સિદ્દીકીના હાથમાં હતી.રાજા રામસિંહની સેનામાં 21 રાજપૂત જાગીરદારો, 30 હજાર પાયદળ, 18 હજાર ટર્કિશ ઘોડેસવારો અને 15 હજાર તીરંદાજોનો સમાવેશ થતો હતો. ઢાકામાં વધુ  બે હજાર સૈનિકો તેમાં જોડાયા, કામરૂપમાં કોઈપણ સંભવિત કાળા જાદુનો સામનો કરવા માટે ગુરુ તેગ બહાદુર સિંહ અને પાંચ મુસ્લિમ પીરોને પટનાથી લઈ જવામાં આવ્યા.

અહોમ સેના જાણતી હતી કે રાજા રામ સિંહ સામેની લડાઈ સરળ નથી. આ તે સમયગાળો હતો જ્યારે શિવાજીએ ગુરિલ્લા યુદ્ધની તરકીબો અપનાવીને ઘણી સફળતા મેળવી હતી. ચક્રધ્વજસિંહ તેનાથી પરિચિત હતા અને તેના પ્રશંસક પણ હતા. લચિત બરફૂકને આ ટેકનિકનો આશરો લેવાનું નક્કી કર્યું અને કિલ્લેબંધી અંગેની તેમની સાવધાની એ હકીકત પરથી સમજી શકાય છે કે જ્યારે કિલ્લો સમયસર બાંધી શકાયો ન હતો, ત્યારે તેણે તેના કાકાને મોતને ઘાટ ઉતારી દીધા અને કહ્યું- “મારા દેશ કરતાં મારા કાકા મોટા નથી”.

અહોમ આર્મીનો ઐતિહાસિક વિજય :

ફેબ્રુઆરી 1969માં રાજા રામસિંહ તેમની વિશાળ સેના સાથે સરહદી ચોકી રાંગામાટી પહોંચ્યા. સીધા મુકાબલાને બદલે, લચિત બારફૂકને ગુરિલ્લા યુદ્ધની નીતિ અપનાવી. તેજપુર નજીકના બે યુદ્ધમાં રાજા રામસિંહની સેનાનો વિજય થયો હતો પરંતુ નૌકા યુદ્ધમાં અહોમ લોકો તેમને ભારે પડ્યા. સુઆલકુચીની નજીકના યુદ્ધમાં પણ અહોમ સેના જમીન અને પાણી બંને પર વિજયી રહી હતી. બારફૂકનના સૈનિકો અડધી રાતે કિલ્લાઓમાંથી બહાર નીકળીને દુશ્મન સેના પર છુપાઈને હુમલો કરતા અને ભારે નુકસાન પહોંચાડતા. રાજા રામસિંહે આનો વિરોધ કરતાં બરફૂકનને લખેલા પત્રમાં  તેને ચોર અને ડાકુઓનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આવા યુદ્ધમાં ભાગ લેવો એ તેના ગૌરવની વિરુદ્ધ છે. જવાબમાં, બરફૂકનના બ્રાહ્મણ દૂતોએ કહ્યું કે અહોમ સેના ફક્ત રાત્રે જ લડી શકે છે કારણ કે તેની સેનામાં એક લાખ રાક્ષસો છે. આ સાબિત કરવા માટે, સૈનિકોને આગલી રાત્રે રાક્ષસના પોશાકમાં મોકલવામાં આવ્યા અને આખરે રામસિંહે સ્વીકાર્યું કે તે રાક્ષસો સામે લડી રહ્યો છે.

રામ સિંહે અહોમ સેનાને સીધી લડાઈ માટે પડકાર ફેંક્યો પરંતુ લચિત બરફૂકને તેમની નીતિ બદલી ન હતી. જ્યારે અહોમ સેનાએ સેસા નજીક અચાનક હુમલો કરીને મુઘલોને નુકસાન પહોંચાડ્યું, ત્યારે રામસિંહે બદલો લીધો અને ભયંકર વિનાશ સર્જ્યો. આ પછી, બંને પક્ષે શાંતિ વાટાઘાટો શરૂ થઈ અને લડાઈ થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવી. તે જ સમયે ચક્રધ્વજ સિંહનું અવસાન થયું અને તેનો ભાઈ માજૂ ગોહેન ઉદયદિત્યના નામથી ગાદી પર બેઠો અને તેના સ્વર્ગસ્થ ભાઈની પત્ની સાથે પોતે  લગ્ન કર્યા. ઉદયદિત્યએ શાંતિ વાટાઘાટો સમાપ્ત કરીને ફરીથી યુદ્ધ શરૂ કરવાનું નક્કી કર્યું.

ઘણા ઉતાર-ચઢાવ પછી અને અલાબોઈના મેદાની યુદ્ધમાં દસ હજાર સૈનિકો ગુમાવ્યા પછી, સરાઈઘાટના નિર્ણાયક યુદ્ધમાં અહોમ સેનાનો વિજય થયો અને રામસિંહને માર્ચ 1671માં રાંગામાટી પાછા ફરવું પડ્યું. આ યુદ્ધમાં પ્રારંભિક સફળતા મુઘલ સૈન્યને મળી અને જ્યારે અહોમ સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું ત્યારે બીમાર લચિત બરફૂકન પોતે એક નાની હોડીમાં યુદ્ધમાં પ્રવેશ્યો અને તેનો પડકાર સાંભળીને અહોમ સૈનિકોએ પૂરી હિંમતથી લડતા રાજા રામસિંહને પીછેહઠ કરવાની ફરજ પાડી. અહોમ સેના અને લચિત બરફૂકનની પ્રશંસા કરતા રાજા રામસિંહે કહ્યું હતું- ‘એક સેનાપતિ સમગ્ર સેનાને નિયંત્રિત કરે છે.. દરેક આસામી સૈનિક હોડી ચલાવવા, તીરંદાજી, ખાઈ ખોદવામાં અને બંદૂકો તથા તોપોનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે. આટલી ચપળ અને શક્તિશાળી સેના મેં ભારતના કોઈપણ ભાગમાં જોઈ નથી. હું પોતે યુદ્ધના મેદાનમાં સામેલ હોવા છતાં, તેમની એક પણ નબળાઈને પકડી શક્યો નહીં. જો કે મુઘલ સેનાએ પ્રયત્નો છોડ્યા ન હતા, અહોમ સેનાએ 1681માં નિર્ણાયક વિજય મેળવ્યો હતો અને નબળા શાસકોએ મુઘલ સામ્રાજ્યના પતન દરમિયાન આસામ પર કબજો કરવાનો કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. પરંતુ ઓગણીસમી સદી આવતાં સુધીમાં નબળા પડેલાં અહોમ સામ્રાજ્યએ  બ્રિટિશ શાસન સામે શરણાગતિ સ્વીકારી અને 600 વર્ષના સ્વતંત્ર શાસન પછી આસામ બ્રિટિશ સામ્રાજ્યવાદનું ગુલામ બની ગયું.

(ફોટો: ફાઈલ)