- ટેસ્ટીંગ માટે ડોમ ઉપર લાગે છે લાંબી લાઈનો
- એન્ટીજન કિટ્સ પૂર્ણ થતા લાઈનમાં ઉભેલા લોકોની મુશ્કેલીમાં વધારો
- ટેસ્ટીંગ માટે એક ડોમ ઉપર માત્ર 25 થી 50 કીટ્સ અપાય છે
અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે વિવિધ વિસ્તારમાં ડોમ ઉભા કરાયાં છે. તેમજ એન્ટીજન કિટથી શહેરીજનોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. સવારથી જ ટેસ્ટ માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. જો કે, એક ડોમ ઉપર 25થી 50 જેટલી કિટ આપવામાં આવતી હોવાથી ગણતરીના કલાકમાં જ કિટ્સ પૂર્ણ થઈ જાય છે. જેથી લાઈનમાં ઉભેલા લોકો નિરાશ થઈને ટેસ્ટ કરાવ્યાં વિના જ પરત ફરતા હોવાની ફરિયાદો ઉઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 500થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા શહેરમાં ઘાટલોડિયા,જમાલપુર,વસ્ત્રાપુર લેક, અંકુર ચાર રસ્તા, બોડકદેવ, સેટેલાઇટ, પ્રહલાદનગર સહિત અનેક જગ્યાએ કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા સવારથી જ લાંબી લાઈનો લગાવે છે. જો કે, ડોમ ઉપર હાજર મેડિકલ સ્ટાફને 25થી 50 જેટલી જ એન્ટીજન ટેસ્ટ કીટ આપવામાં આવે છે. જેથી ગણતરીના કલાકોમાંજ કિટ્સ ખુટી પડે છે. તેમજ જ્યાં સુધી કીટ ન આવે ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે છે. જેથી લોકો કંટાળીને પરત જતા રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.