Site icon Revoi.in

રાજકોટ આસપાસના ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સરપંચોએ રૂડા’માં કરી રજુઆત

Social Share

રાજકોટઃ શહેરની આજુબાજુ આવેલા ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ-રસ્તાઓ અને ગટરની પણ સુવિધાથી વંચિત 48 જેટલા ગામોના સરપંચોએ સાગમટે મળીને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની રજુઆત કરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. અનેક ગામડાઓમાં રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા નહીં હોવાથી આ માટે પગલાં લેવાતા નથી. એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.  રૂડા કચેરી દ્વારા કરાતી પ્લોટ ફાળવણી પૂર્વે અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા અપીલ કરાઈ હતી. જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રાજકોટ શહેરની આસપાસના ગાંમડાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પાણી, રોડ-રસ્તાઓ અને ગટરની પ્રાથમિક સુવિધાનો પણ લાભ મળતો નથી. રાજકોટ શહેરની આસપાસના 48 ગામડાઓનો રૂડામાં સમાવેશ કરાયો છે. ત્યારે રૂડા દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે નક્કર કાર્યવાહી થતી નથી. ગામડાના સરપંચોએ એવો આક્ષેપ કર્યો હતો હતો કે, રસ્તાઓ, ભૂગર્ભ ગટર જેવી કામગીરી તેમજ રહેણાંક હેતુનાં પ્લોટની ફાળવણી સહિતની કામગીરી યોગ્ય રીતે અને સમયસર કરાતી નથી. ઘણા પ્લોટની ફાળવણી બાકી છે, પરંતુ અપસેટ પ્રાઈઝ નક્કી નહીં કરવામાં આવી હોવાથી પ્લોટની ફાળવણી થઈ શકતી નથી. બીજીતરફ જંત્રીનાં ભાવ વધતા હોવાથી લોકોને વધારાનો બોજો સહન કરવો પડી રહ્યો છે.

સરપંચોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતો પાસેથી રૂડાએ નવા બનતા બિલ્ડીંગ અને ફેક્ટરીઓ સહિતના બાંધકામોની મંજૂરીનો પાવર લીધો છે. જેમાં કોઈપણ સ્થળ મુલાકાત લીધા વિના અને પ્રાથમિક સુવિધાઓ આપ્યા વિના મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક સુવિધાઓ નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ પંચાયત પાસે આવે છે અને ગ્રામ પંચાયત તેઓને આ સુવિધા આપવા સક્ષમ નહીં હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબુર બને છે. ત્યારે આવી મંજૂરી આપતા પહેલા અધિકારીઓ રૂબરૂ મુલાકાત લે તેની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારમાં થતા બાંધકામોની ઈંપેક્ટ ફી રૂડા કચેરી જ વસુલ કરે છે. તેમજ પ્લાનની ફી સહિતની તમામ રકમ રૂડા ઉઘરાવે છે. ત્યારે આ રકમનો ઉપયોગ કરીને રૂડા દ્વારા નવા બંધકામોને મંજૂરી આપતા પહેલા પ્રાથમિક સુવિધા ઉભી કરવાની ફરજ પણ રૂડાની છે.