ટીમ ઈન્ડિયાના સ્પિનર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવઃ કપિલ દેવ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુંદર પ્રદર્શન કરી રહી છે, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક સૂર્યાકુમાર યાદવે પોતાની બેટીંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. તેમજ વર્લ્ડકપમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય સ્પીનગર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવ હોવાનું જણાવ્યું હતું.
ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના મતે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ છે. તેમણે અશ્વિનની બોડીલેન્ગેજથી નારાજગી વ્યક્ત કરી હતી. રવિચંદ્રન અશ્વિને રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ની મેચમાં ઝિમ્બાબ્વે સામે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કપિલ દેવે આ પ્રદર્શન માટે રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષ કર્યો હતો. કપિલ દેવે કહ્યું, ‘અત્યાર સુધી મેં રવિચંદ્રન અશ્વિનમાં આત્મવિશ્વાસ જેવી કોઈ વસ્તુ જોઈ નથી. અશ્વિને વિકેટો લીધી હોવા છતાં તેને આ વિકેટ મળી હોય તેવું લાગ્યું નહીં.
કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે, ‘હકીકતમાં, ઝિમ્બાબ્વેના બેટ્સમેનો એવી રીતે આઉટ થયા કે અશ્વિન પોતે પણ વિકેટ લેતા શરમ અનુભવતો હતો અને તે પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. વિકેટ લેવાથી ચોક્કસપણે તમારો આત્મવિશ્વાસ વધે છે, પરંતુ અમે જે અશ્વિનને જાણીએ છીએ તે અત્યારે તે રંગમાં નથી.
(PHOTO-FILE)