સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધાનો અભાવ, રમત-ગમતના મેદાનો પણ ખંડેર બન્યા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટસ સંકુલની હાલત દેખરેખના અભાવે બદતર બની ગઈ છે. સ્પોર્ટ્સ સંકુલમાં પીવાના પાણીથી લઈને અન્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમની બદતર હાલતને કારણે અહીં એક ખેલાડી રમતા રમતા ઇજાગ્રસ્ત થયાના બનાવો પણ બન્યા છે. રમત ગમતના અન્ય મેદાનો કોચના અભાવે ખંડેર હાલતમાં છે. તેમ કોંગ્રેસના રાજકોટના પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેલસે ગુજરાત અને જીતશે ગુજરાત જેવા નારાઓ આપવામાં આવે છે. ગુજરાતનો ખેલાડી ઓલિમ્પિકમાં પોતાનું નામ રોશન કરશે તેવી વાતો કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલમાં સફાઈ અને પાણીનો અભાવ છે. એક ખેલાડી ત્યાં રમતા રમતા ઘવાયો છે. જેમના દ્વારા ફરિયાદ મળી છે. ઇન્ડોર સ્ટેડિયમમાં સફાઈ અને પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લીધે ખેલાડીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ રમત ગમતના મેદાનો સાફ-સફાઈ અને મેન્ટેનન્સના અભાવે ખંડેર હાલતમાં છે. ક્રિકેટ અને ફૂટબોલના મેદાનમાં 1-1 ફૂટના ઘાસ ઊગ્યા છે. અહીં ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ નથી જેને લીધે વિદ્યાર્થિનીઓને સૌથી વધુ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત અહીં શૌચાલયની પણ સુવિધા નથી. સાથે જ મોટાભાગની રમતોમાં કોચની ભરતી જ કરવામાં આવી નથી જેને લીધે ખેલાડીઓને માર્ગદર્શન મળતું નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કઈ રીતે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે તે સૌથી મોટો પ્રશ્ન છે જેથી આ બાબતે આગામી સમયમાં રાજ્યના રમતગમત મંત્રીને રજૂઆત કરવામાં આવશે.