ગુજરાતમાં 58 હજાર ઈમારતોમાં ફાયર સેફ્ટી એનઓસીનો અભાવ
અમદાવાદઃ ગુજરાતમાં જ્યારે પણ હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આગ લાગે ત્યારે તંત્ર સફાળુ જાગે છે અને ફાયર એનઓસી સહિતની કામગીરી શરૂ કરે છે. દરમિયાન રાજ્યમાં અત્યારે 58000 જેટલી બહુમાળી ઈમારતોમાં ફાયર એનઓસી કે કમ્પલીશન સર્ટીફીકેટ નહીં હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. જેમાં રાજયનાં શહેરી વિકાસ વિભાગનાં નાયબ સચીવ આર.એચ.વસાવાએ સોગંદનામુ રજૂ કર્યું હતું. આ એફિડેવીટ અનુસાર રાજ્યમાં 58000 બીલ્ડીંગોમાં ફાયર એનઓસી નથી. 36274 બિલ્ડીંગો કમ્પલીશન સર્ટીફીકેટ ધરાવતા નથી તેમાંથી 25910 ઈમારતો, કોર્પોરેશન વિસ્તારોમાં છે. અમદાવાદમાં 1489, સુરતમાં 2335, વડોદરામાં 1009, તથા રાજકોટમાં 1640 ઈમારતો કમ્પલીશન મેળવ્યા વિના જ ઉભી કરાયેલી છે.
હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ફાયર સેફટી કાયદાનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી. રાજયમાં નવા દાખલ કરાયેલા ફાયર સેફટી કાયદામાં સુધારા કરવા સરકાર તરફથી તૈયારી બનાવવામાં આવી હતી. હાઈકોર્ટે ફાયર સેફટી નિયમોનું હોસ્પીટલોમાં કડકાઈથી પાલન કરાવવા તથા કોવિડ હોસ્પીટલોનાં આઈસીયુ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ સુચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ફાયર સેફ્ટીને લઈને નોટિસો ફટકારવામાં આવી હતી.