Site icon Revoi.in

અમદાવાદની 850 સ્કૂલોમાં NOCનો અભાવઃ વિદ્યાર્થીઓ અને સ્કૂલો સ્ટાફનું જીવન ભગવાન ભરોસે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો સહિતના સંસ્થાઓ તથા બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવ બાબતે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ફાયર એનઓસી માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ સ્કૂલોને ફાયર સેફ્ટી માટે લેખીત અને મોખીક સુચના આપવા છતા અનેક સ્કૂલોએ ફાયર એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન આવી સ્કૂલોને ડીઈએઓએ ફાયર એનઓસી મેળવી લેવાની સૂચના આપી છે. ફાયર એનઓસી નહીં મેળવનારી સ્કૂલ સામે કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમના તાબાની 1954 જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને ફયર વિભાગનું એનઓસી લેવા માટે જે તે વખતે આદેશ કર્યો હતો. ડીઈઓના આદેશના પગલે અનેક સ્કૂલોએ કાર્યવાહી કરી ફયર વિભાગ પાસેથી એનઓસી મેળવવાની કામગીરી હાથ ધરી હતી. શહેરની 1100 જેટલી સ્કુલોએ ફાયર NOC મેળવી લીધું હતું. પરંતુ હજુ પણ 850 જેટલી સ્કૂલો પાસે ફયર વિભાગનું એનઓસી ન હોવાનું સામે આવ્યું છે.

હજુ પણ મોટી સંખ્યામાં સ્કૂલો પાસે ફયર વિભાગનું એનઓસી ન હોવાનું સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરી જે સ્કૂલોએ ફયર વિભાગનું એનઓસી લીધું નથી તેમને તાત્કાલીક એનઓસી લેવા માટે આદેશ કર્યો છે. આ શાળાઓને છેલ્લા એક વર્ષથી નોટિસ તેમજ ઈ-મેઈલ મોકલીને ફયર એનઓસી લેવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં શાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સ્કૂલો દ્વારા હવે ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.