નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ બંને રાજ્યોમાં વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ભારતમાં ખગોળીય પ્રવાસન વધે તે માટે લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરશે. આ પરિયોજના આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદાખના હાંગલેમાં નિર્માણ પામશે, જેનાથી ભારતમાં ખગોળીય પ્રવાસન વધશે. આ વિસ્તારથી પ્રકાશીય ઈંફ્રારેડ અને ગામા દૂરબીનથી નક્ષત્રને જોઈ શકાશે.
આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંધે જણાવ્યું હતું કે નાઈટ સ્કાય સેન્ચ્યુરી માટે લદાખ પ્રશાસન, લદાખ સ્વાયત પર્વતીય પરિષદ અને ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ પરિયોજનાથી સ્થાનિક પ્રવાસન અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીના ક્ષેત્રમાં અધ્યયનથી અર્થવ્યવસ્થાને પણ લાભ થશે.