Site icon Revoi.in

લદ્દાખઃ ટેન્કથી નદી પાર કરવાના સૈન્ય અભ્યાસમાં સર્જાઈ દુર્ઘટના, પાંચ જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટી દુર્ઘટના થઈ છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્કથી નદી પાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે સેનાના પાંચ જવાનો નદીમાં તણાઈ ગયા હતા અને તેમણે જીવ ગુમાવ્યા હતા. તમામ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ભારતીય સેનાના જવાનો સાથેની આ દુર્ઘટના ચીનની સરહદ એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે થઈ હતી. દૌલત બેગ ઓલ્ડી કારાકોરમ રેન્જમાં આવેલું છે, જ્યાં આર્મી બેઝ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, લદ્દાખમાં એલએસી પાસે અચાનક આવેલા પૂરમાં સેનાના પાંચ જવાનો તણાયા હતા. આર્મી ટેન્ક નદીના એક ઊંડા ભાગને પાર કરી રહ્યું હતું, ત્યારે તે ત્યાં ફસાઈ ગયું હતું. આ દરમિયાન, પાણીનું સ્તર અચાનક વધવાને કારણે, તેમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સૈનિકો તણાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું, “લદ્દાખમાં નદી પાર કરતી વખતે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ભારતીય સૈન્યના પાંચ બહાદુર જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. દેશ તેમની સાથે મજબૂતીથી ઉભો છે.”

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે ટેન્કમાં સેનાના પાંચ જવાન હાજર હતા. જેમાં એક જેસીઓ અને ચાર સૈનિકોનો સમાવેશ થાય છે. તમામ 5 જવાનો શહીદ થયા હતા. તમામ મૃતદેહો મળી આવ્યા છે. દૌલત બેગ ઓલ્ડીમાં જે ટેન્કનો અકસ્માત થયો હતો તે ભારતીય સેનાની T-72 ટેન્ક હતી. ભારત પાસે 2400 T-72 ટેન્ક છે. ભારતીય સેના લાંબા સમયથી આ ટેન્કોનો ઉપયોગ કરી રહી છે. દુર્ઘટના સમયે અન્ય ટેન્ક પણ ત્યાં હાજર હતી.