કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મુશ્કેલીમાં વધારો થય છે. લખીમપુર ખેરી હિંસા કેસનો સામનો કરતા આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યાં હતા. તેમજ તેમને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે. 4 એપ્રિલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખેરી હિંસા કેસમાં સંડોવાયેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષને સાંભળવામાં આવ્યો ન હતો. કોર્ટે ચુકાદો જાહેર કર્યા પછી, મામલો ફરીથી સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે જામીન રદ કરવાની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.
હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો દ્વારા જામીન આપવાના હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ રમનાની બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી 4 એપ્રિલે જ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બીજી તરફ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના નિર્ણય સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં આશિષ મિશ્રાની જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો. જો કે યોગી સરકારના વકીલે એમ પણ કહ્યું હતું કે કેસ સાથે જોડાયેલા સાક્ષીઓને વ્યાપક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તે કહેવું ખોટું છે કે આરોપી સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેઓએ તમામ માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.