અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જગન્નાથજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. ભક્તો માટે મંદિર સંકુલમાં લગભગ 5000 કિલો જેટલો ખીચડાનો પ્રસાદ તૈયાર કરાયો હતો અને લાખો ભક્તોએ ખીચડાનો પ્રસાદ આરોગ્યો હતો.
ભગવાન જગન્નાથજીને ખીચડીનો પ્રસાદ ધરાવાયો હતો. જેના માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો હતો. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી, 8000 કિલો ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યા હતા. આ સાથે ભગવાનને આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક તૈયાર કરાયું હતું. તદુપરાંત 2000 કિલો કોળા ગવારનું શાક પણ તૈયાર કરાયું હતું. લગભગ એક લાખથી પણ વધારે શ્રદ્ધાલુઓએ ખીચડાનો પ્રસાદ લીધો હતો.
રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાયા છે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.
જગતના નાથ જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતા. જેથી ભક્તોનું ધોડાપૂર ઉમટી પડ્યું હતું. રથયાત્રાના રૂટમાં ભક્તોને મગ, ચોકલેટ અને કાકડી સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.