અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં ફોલ્ટ સર્જાતા છેલ્લા ચાર દિવસથી પાણી ધોધમાર રીતે વેડફાતું હતું . લાખો લિટર પાણી નદીની જેમ રોડ ઉપર વહી રહ્યું હતુ. રોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારથી પાણી રોડ ઉપર નદીની જેમ વહેવાનું શરૂ થતું હતું. ચાર દિવસથી આ લાઇનની લીકેજ હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના અધિકારીઓ ને પાઈપ લાઈન મરામતની ફુરસદ મળતી નહતી.દરમિયાન સ્થાનિક લોકો દ્વારા જ્યારે પાણીની પાઇપલાઇનમાં લીકેજ અને રોડ પર પાણી ભરાયેલું હોય તેવા ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા બાદ દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ જાગ્યા હતા અને તેઓએ તાત્કાલિક પાણીના પાઇપલાઇનમાં ફોલ્ટ મરામતની કામગીરી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં કેનાલ રોડ પર સ્મૃતિ મંદિરની દીવાલ પાસે પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આ પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી લીકેજ થયું હતું. દરરોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારે પાણી આ લીકેજમાંથી બહાર આવી નદીની જેમ રોડ ઉપર વહી જતું હતું. દરરોજ સવારે આખો રોડ પાણીથી ભરાઈ જતો હતો. ચાર દિવસમાં લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. આ રીતે સતત પાણીનો વ્યય થતો હતો છતાં પણ દક્ષિણ ઝોનના અધિકારીઓના ધ્યાન ઉપર આ વાત આવી ન હતી. છેવટે સ્થાનિક લોકો દ્વારા ત્યાં ફરિયાદ કરવામાં આવી અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા ત્યાર બાદ અધિકારીઓ જાગ્યા હતા અને તેઓ દ્વારા પાઇપલાઇન ના લીકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વિભાગના અધિકારીઓને સવારે હવે વોર્ડમાં બે કલાક રાઉન્ડ લેવા માટે થઈ અને જાણ કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓના ધ્યાને આ બાબત કેમ ન આવી. ચાર દિવસથી પાણીનું લીકેજ થઈ રહ્યું હતુ, ત્યારે એક મોટો પ્રશ્ન છે. કે, શું ઇજનેર વિભાગના અધિકારીઓ સવારે વોર્ડમાં રાઉન્ડ લેતા નથી કે પછી ધ્યાનમાં હોવા છતાં પણ તેઓએ આ લીકેજની કામગીરી શરૂ કરાવી ન હતી ? એકતરફ કમિશનર પરિપત્ર કરી અને અધિકારીઓને આદેશ તો કરી દે છે પરંતુ ખરેખર તેઓ રાઉન્ડમાં નીકળે છે કે કેમ તે મોટો સવાલ છે.