Site icon Revoi.in

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

Social Share

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, પોલીસમાં 5550 નવી પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. જયપુર, જોધપુર અને કોટા જેવા શહેરોમાં 1500 ટ્રાફિક પોલીસની ભરતી કરવામાં આવશે.

નાણામંત્રીની જાહેરાત દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષીના નેતાઓ તેમના પર જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવી રહ્યા હતા. તેના પર નાણામંત્રીએ કહ્યું કે યુવાનોની વાત કરવામાં આવી રહી છે, સાંભળી લો. બજેટ ભાષણની વચ્ચે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે ટ્વિટર પર લખ્યું કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારે 21 હજાર 744 પદો પર નિમણૂક આપી છે. આ સિવાય 59 હજાર પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમજ 17500 હજાર જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી છે. 6 હજાર પોસ્ટ માટે નાણાંકીય મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણનો દાખલો બેસાડ્યો છે. ત્રીજા ધોરણની શિક્ષકની ભરતીમાં મહિલાઓ માટે અનામત મર્યાદા વધારીને 50 ટકા કરવામાં આવી છે. તેનાથી મહિલાઓને રોજગારની યોગ્ય તકો મળશે અને તેઓ આત્મનિર્ભર અને સશક્ત બનશે.

રાજસ્થાનના બજેટમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ ચલાવવા માટે અટલ આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ ઉપલબ્ધ થશે. દિયા કુમારીએ 250 કરોડના ખર્ચે મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જાહેરાત કરી હતી. તેમણે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સની પણ જાહેરાત કરી હતી. નાણામંત્રીએ ખેલો ઈન્ડિયાની તર્જ પર ખેલો રાજસ્થાનની જાહેરાત કરી હતી. આના પર દર વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.