Site icon Revoi.in

લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને કર્યું બાય-બાય, સપ્તાહમાં 3 નેતાઓએ કોંગ્રેસ છોડી

Social Share

નવી દિલ્હી: દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દોડધામ છે. એક પછી એક નેતાઓ પાર્ટીને આવજો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બાદ હવે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. વિભાકર શાસ્ત્રીએ કહ્યુ છે કે સમ્માનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મેં કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું મોકલી દીધું છે. વિભાકર શાસ્ત્રી કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પણ રહી ચુક્યા છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની હાજરીમાં વિભાકર શાસ્ત્રી ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન ભાજપના ઘણાં નેતાઓ મંચ પર હતા. વિભાકર શાસ્ત્રી પણ એ નેતાઓની યાદીમાં સામેલ થઈ ચુક્યા છે. જેમણે લોકસભા ચૂંટણીના ગણતરીના મહિના પહેલા કોંગ્રેસનો સાથ છોડયો છે.

ગત સપ્તાહે કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. 12 ફેબ્રુઆરીએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે પાર્ટી છોડી હતી. તેઓ મંગળવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

આ પહેલા 8 જાન્યુઆરીએ કોંગ્રસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીએ રાજીનામું આપીને કોંગ્રેસ છોડી હતી. તેમણે સોશયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું આજે બાબા સિદ્દીકી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી રહ્યો છું. તો આ યાદીમાં ત્રીજુ નામ મિલિંદ દેવડાનું હતું કે જેમણે ગત મહિને પાર્ટી છોડી હતી.