નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે સક્રિયતાને લઈને આ નિર્ણય લીધો છે. મારે ચૂંટણીની તૈયારી કરવાની છે.
જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં દેશના વર્તમાન રાજકીય માહોલ અને નાણાકીય વાતાવરણ પર ચર્ચા થશે અને અન્ય રાજ્યો માટે સીટોની વહેંચણી પર પણ ચર્ચા કરવામાં આવશે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની અંદરના દ્રશ્યો સામે આવ્યા હતા. બિહારના સીએમ નીતિશ કુમાર, જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન (લાલન) સિંહ અને અન્ય પાર્ટીના નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા. દિલ્હી જેડીયુના પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર કુમારે કહ્યું કે, જો નીતિશ કુમાર પાર્ટીની કમાન પોતાના હાથમાં લેશે તો પાર્ટીનો વિકાસ થઈ શકશે. અમે ફરીથી આગળ વધીશું.
દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ ફરીથી સત્તામાં ના આવે તે માટે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠનમાં જેડીયુ પણ મહત્વનું સભ્ય છે. જેડીયુએ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે.