ચારા કૌભાંડના દોરંડા કેસમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદની તબિયત લથડી,હોસ્પિટલમાં દાખલ
- લાલુ પ્રસાદની તબિયત બગડી
- કિડનીની વધી સમસ્યા
- ક્રિએટિનીન લેવલ 3.5થી વધીને 4.1 થયું
બિહાર:ચારા કૌભાંડના દોરંડા કેસમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદની કિડની સંબંધિત સમસ્યા વધી ગઈ છે.બિહારની રાજનીતિના આધારશિલા ગણાતા લાલુ પ્રસાદની તબિયત બુધવારે બગડી હતી, જે બાદ તેમને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.લાલુ પ્રસાદની કિડની પહેલેથી જ 80 ટકા ડેમેજ થઈ ગઈ હતી.હવે રાંચી રિમ્સના ડોક્ટર્સનું કહેવું છે કે, છેલ્લા 20 દિવસમાં તેની કિડની વધુ ડેમેજ થઈ ગઈ છે.તેની કિડનીના કાર્યનું સ્તર પહેલા કરતા વધુ ઘટી ગયું છે.જ્યારે લાલુ પ્રસાદને રિમ્સના પેઇંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમનું ક્રિએટિનીન લેવલ 3.5 હતું. હવે નવા રિપોર્ટમાં તે 4.1 છે. તો, EGFR 18 થી ઘટીને 15.3 ટકા પર આવી ગયો છે.તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સુધરવાને બદલે બગડી રહી છે.
લાલુ પ્રસાદની સારવાર કરી રહેલા રિમ્સના મેડિસિન વિભાગના એચઓડી વિદ્યાપતિએ જણાવ્યું કે,લાલુ પ્રસાદની કિડની ખરાબ છે અને તેઓ સ્ટેજ 4માં છે.એવામાં, ક્રિએટિનીન સ્તરમાં આવો વધારો અસામાન્ય નથી.આવા કિસ્સાઓમાં ઘણીવાર આવું થાય છે.જ્યારે લાલુ યાદવને ગયા મહિને 15 ફેબ્રુઆરીએ પેઇંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર માટે સાત ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી હતી.તમામ નિષ્ણાત ડોક્ટરો તેમાં સામેલ છે, આ ટીમની દેખરેખમાં લાલુ યાદવની સારવાર હજુ પણ ચાલી રહી છે. ડોકટરોની ટીમ આ કવાયતમાં વ્યસ્ત હતી કે,કિડનીને વધુ નુકસાન ન થાય, પરંતુ નવા તપાસ અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે,તબીબોના પ્રયાસો ફળીભૂત નથી થઈ રહ્યા. પેઇંગ વોર્ડમાં તમામ સુવિધાઓ હોવા છતાં લાલુ યાદવ તણાવમાં છે અને તેની અસર તેમની કિડની પર પડી રહી છે.
વાસ્તવમાં લાલુ પ્રસાદ અનેક ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડની રોગ, કિડની સ્ટોન, સ્ટ્રેસ, થેલેસેમિયા, પ્રોસ્ટેટનું વિસ્તરણ, યુરિક એસિડ વધવું, મગજ સંબંધિત રોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખની સમસ્યા છે. આ જ કારણ છે કે કોર્ટે તેને ડોક્ટરોની દેખરેખમાં રીમ્સમાં રહેવાની રાહત આપી છે.