લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, EDએ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યાં
- અગાઉ તેજસ્વી યાદવને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા
- કેટલાક કારણોસર તેજસ્વી યાદવ ઈડી સમક્ષ હાજર થયા ન હતા
નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કેસમાં સંડોવાયેલા મનાતા પૂર્વ રેલવે મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સમન્સ પાઠવીને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં છે. ઈડીએ લાલુ પ્રસાદ યાદવને પૂછપરછ માટે બોલાવતા રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે, કેટલાક કારણોસર તેઓ ઈડી સમક્ષ હાજર રહી શક્યાં ન હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ RJD સુપ્રિમોને 27 ડિસેમ્બરે દિલ્હીમાં તેની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. EDએ તેમના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પણ સમન્સ પાઠવ્યુ હતું. તેઓને 21 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ હાલ પટનામાં છે. સામાન્ય રીતે, જ્યારે પણ કોર્ટમાં હાજરીની તારીખ હોય છે, ત્યારે તેઓ એક દિવસ પહેલા પટનાથી દિલ્હી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડ ફોર જોબનો કેસ 14 વર્ષ જૂનો કેસ છે. તે સમયે લાલુ યાદવ રેલવે મંત્રી હતા અને તે દરમિયાન લાલુ યાદવે રેલવેમાં નોકરીને બદલે જમીન લખાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(PHOTO-FILE)