સરકારી જમીનો અને મ્યુનિ.પ્લોટ્સમાં દબાણ કરનારા સામે પણ હવે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે
અમદાવાદ : રાજ્યમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે ગબામોની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે. હવે આ કાયદો સરકારી જમીનો પર દબાણો કર્યા હશે તેની સામે પણ લગાવાશે. રાજ્યમાં મ્યુનિ.ની માલિકીના જમીનો અને કિંમતી પ્લોટ્સ પર વર્ષોથી દબાણો થયેલા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના ધ્યાને આ મુદ્દો આવતાં દબાણો દૂર કરીને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ આવા તત્ત્વો સામે કાર્યવાહી હાથ ધરવાની સ્પષ્ટ સૂચના તમામ મ્યુનિસિપલ કમિશનરોને શહેરી વિકાસ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડિયા અને તમામ કમિશનરો સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં આપવામાં આવી હતી, એટલું જ નહીં મિલકતોના બાકી વેરાની વસૂલાત પર વધુ ભાર આપવા પણ રાજ્ય સરકારે સુચના આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને સરકાર તરફથી મળેલા 400 પ્લોટ પૈકી હાલમાં 75થી 100 પ્લોટમાં મોટાં દબાણો થયાં છે જ્યારે બાકીના પ્લોટમાં નાનાં નાનાં દબાણો કરવામાં આવ્યા હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે. તો બીજી તરફ મ્યુનિ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની નોંધ પણ સરકાર દ્વારા લેવામાં આવી છે.
જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જગ્યા ઉપર કરેલા દબાણોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાખલારૂપ કરેલી કાર્યવાહીની નોંધ પણ શહેરી વિકાસ મંત્રીએ લીધી હતી. બીજી તરફ આ દબાણો દૂર કરવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી છે. મંત્રી મોરડિયાએ તમામ કમિશનરોને સ્પષ્ટ સૂચના આપી છે કે આવા કિસ્સાઓમાં મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા ખૂબ જ ઝડપથી પ્લોટનો કબજો મેળવી લેવો જોઈએ જેનાં કારણે વારંવાર દબાણની સમસ્યા ઉદભવે નહીં. સરકારી જમીનો ઉપર થયેલા વિવિધ દબાણોની એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે એટલું જ નહીં જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાકીય હથિયારનો ઉપયોગ કરતા ખચકાવું જોઈએ નહીં. (file photo)