અમદાવાદઃ ગુજરાતમાં જમીનોના ભાવમાં વધારો થયો હોવાથી જમીનોના દબાણો પણ વધતા જાય છે. ભૂમાફિયાઓ જમીનો પર કબજો જમાવવામાં માહેર હોય છે. ખાનગી નહીં હવે તો સરકારી જમીનો પર પણ ભૂમાફિયાઓએ કબજો જમાવી દેતા હોય છે. અમદાવાદમાં તો તાજેતરમાં જ સરકારી જમીનો પર દબાણની બે ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે ડિફેન્સની 274 એકર જમીનમાં પણ દબાણો થયાની હકિક્ત બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી અને ગૌચરની જમીન ઉપર મોટાપાયે દબાણ હોવાની વિગતો બહાર આવતી રહે છે પરંતુ ડિફેન્સની જમીન ઉપર પણ દબાણ હોવાનો ઘટસ્ફોટ લોકસભામાં થયો છે. ગુજરાતમાં 274.7971 એકર વિસ્તારમાં રક્ષા મંત્રાલયની જમીન ઉપર દબાણ થયેલું છે. છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત 1.3786 એકર વિસ્તારમાંથી જ દબાણ હટાવી શકાયા છે. અન્ય કેટલાક રાજ્યમાં ડિફેન્સની જમીન ઉપર દબાણ વિસ્તાર ઓછો અને સેંકડો એકર જમીન અતિક્રમણથી મુક્ત કરાવાઇ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી તંત્ર કડક કામગીરી કરતું હોવાના દાવા થાય છે પરંતુ રક્ષા વિભાગની જમીન પણ દબાણથી મુક્ત રહી શકી નથી. રક્ષા વિભાગે લોકસભામાં આપેલા જવાબમાં 20-9-2021 સુધી ગુજરાતમાં કુલ 274.7971 એકર જમીન ઉપર દબાણ છે. અન્ય કેટલાક રાજ્ય એવા છે જેમાં આ પ્રમાણ ઓછુ છે. તેમાં ગોવામાં 5 એકર, હિમાચલ પ્રદેશમાં 42 એકર, કર્ણાટકમાં 131 એકર, કેરળમાં 2 એકર, તામિલનાડુમાં 92 એકર, ઉત્તરાખંડમાં 51 એકર તેલંગાણામાં 60 એકર જેટલી જમીન ઉપર દબાણ છે. કેટલાક રાજ્યમાં ગુજરાત કરતા પણ વધુ એકર જમીન દબાણ હેઠળ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષોથી ડિફેન્સની જમીન ઉપર દબાણ હોવા છતાં તેને દબાણમુક્ત કરાવવાની પ્રક્રિયા પણ ધીમી હોવાનું આંકડામાં બહાર આવ્યું છે. જેમાં ગુજરાતમાં ફક્ત 1 એકર જમીન દબાણમુક્ત કરાવાઇ છે તેની સામે હરિયાણામાં 236 એકર, હિમાચલ પ્રદેશમાં 67 એકર, મહારાષ્ટ્રમાં 36 એકર, મધ્યપ્રદેશમાં 43 એકર, પંજાબમાં 93 એકર, તામિલનાડુમાં 49 એકર અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 435 એકર જમીન ઉપરથી દબાણ હટાવાયા છે. (file photo)