દિલ્હીઃ દેશમાં જમીનોના ડીજીટલ રેકર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. મોટાભાગના રાજ્યોમાં 90 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. લગભગ 5.98 લાખ ગામડાઓની જમીનોનું કોમ્પ્યુટીકરણ થઈ ચૂકયુ છે. આ કાર્યવાહીથી જમીનના એક જ નંબર પર અનેક નામો નાખીને બોગસ કારસ્તાનો-કૌભાંડો આચરવા પર અંકુશ આવી શકશે. તેમજ આગામી દિવસોમાં ‘વન નેશન, વન રજીસ્ટ્રી’ સ્કીમ લાગુ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશના 6.58 લાખ ગામ પૈકી 5.98 લાખ ગામડાઓની જમીનોનું કોમ્પ્યુટીકરણ થઈ ચૂકયુ છે. ડીજીટલ કામગીરી ખત્મ થયા બાદ કોઈપણ જમીનને ઓનલાઈન જોઈ શકાશે. ડિજીટલીકરણથી જમીનની વિગતોની સાથોસાથ તેના માલીકી હકકની પણ ચકાસણી થઈ શકશે. નેશનલ જેનરીક ડોકયુમેન્ટ રજીસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત ‘વન નેશન, વન સોફટવેર’ વિકસાવાયું છે. તેમજ અંદામાન નિકોબાર, દાદરાનગર હવેલી, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મણીપુર, મહારાષ્ટ્ર, મીઝોરમ તથા પંજાબના લોકો યોજનાનો લાભ લઈ રહ્યા છે.
જમીન દસ્તાવેજોની સાથોસાથ જમીનના નકશા પણ ડીજીટલ કરવામાં આવી રહ્યા છે. 22 રાજયોના 90 ટકાથી પણ વધુ જમીન નકશા ડીજીટલ થઈ ચૂકયા છે. રજીસ્ટ્રાર તથા સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સામેલ કરી દેવાયા છે.