ઉતરાયણનો માહોલ: જંબુસરમાં પતંગનો વેપાર કરતા વેપારીઓએ દોરી-પતંગોના ભાવમાં કર્યો 40 ટકાનો વધારો
- આવતીકાલે ઉતરાયણનો મહાપર્વ
- રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગોએ જમાવ્યું આકર્ષણ
- પતંગના ભાવમાં ૪૦ ટકાનો થયો વધારો
જંબુસર: 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને અગાઉ શહેરના બજારમાં પતંગ અને દોરાની ખરીદીમાં ભારે ભીડ ઉમટી પડતી હોય છે. એમાં પણ જંબુસરની પતંગો ગુજરાતભરમાં
પ્રખ્યાત છે. મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ, પેપર, જૂન રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર અને અનુપમાની પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. જોકે, કાચા માલમાં ભાવ વધારો થતાં પતંગના ભાવમાં 4૦ ટકાનો વધારો થયો છે.
જો કે આ વાત જાણવા જેવી છે કે જે તે તહેવાર સમયે સામાન્ય પબ્લિકના વર્તનને અનુલક્ષીને વેપારીઓ દ્વારા ભાવમાં વધારા અને ઘટાડા કરવામાં આવતા હોય છે. લોકો ઉતરાયણ પાછળ એવા રસિયા હોય છે કે કોઈ પણ પ્રકારનું આગળ પાછળ જોતા નથી, આમાં કહી શકાય કે બજારોમાં ખરીદી માટે ભીડ તો જામી છે પરંતુ કેટલીક જગ્યાઓ પર લોકોની ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે.
આ પ્રકારની ઉજવણી આગળ જતા નુક્સાન પણ કરી શકે છે. કોરોનામાં સતર્ક અને સલામત કેવી રીતે રહેવું તે હવે લગભગ તો સૌ કોઈને ખબર જ હશે.
ઉલ્લેખનીય છે કે ગતવર્ષે કોરોનાને કારણે તહેવારની મજા એટલી રહી ન હતી જેવી દર વર્ષ હોય છે. આ વખતે આમ તો કોરોનાથી થોડો સમય રાહત રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જોખમી રીતે દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે.