Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના સ્કૂલબોર્ડ અને AMTSના સભ્યોને પણ લેપટોપ-પ્રિન્ટર અપાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ.કોર્પોરેશનની વકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. બે છેડા ભેગા કરવા માટે બાકીવેરા વસુલાતની ઝૂંબેશ આવતીકાલ તા. 1લી ફેબ્રુઆરી શરૂ કરાશે. બીજીબાજુ વર્ષેગહાડે કરોડો રૂપિયાની ખોટ કરતી એએમટીએસ અને સ્કુલ બોર્ડના સભ્યોને પ્રજાના પૈસે લેપટોપ અને પ્રિન્ટરની લહાણી કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરકસર કરવાને બદલે ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ. ભાજપના પ્રભારી તથા હોદ્દેદારો મનમાની કરીને સ્કૂલ બોર્ડ તથા AMTSના સભ્યોને પણ કોર્પોરેટરોની જેમ લાખો રૂપિયાના ખર્ચે લેપટોપ અને પ્રિન્ટર સહિતની ચીજવસ્તુઓની લ્હાણી કરવા જઇ રહ્યા છે અને તેના માટે એક ઠરાવમાં પાછળથી ચૂપચાપ સુધારો કરી દેવાની સૂચના પણ આપી દેવાઇ હોવાનુ  જાણવા મળ્યુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.માં કોર્પોરેટર રહી ચૂકેલાં હોય તેવા પૂર્વ કોર્પોરેટરોને  સ્કૂલ બોર્ડ અને AMTSમાં નિમવા જોઇએ નહીં તેમ છતાં રાજકીય આગેવાનોની ચરણરજ બની રહેતાં અમુક પૂર્વ કોર્પોરેટરોને લાભ કરાવવામાં આવતો હોય છે. અગાઉની ટર્મના સ્કૂલ બોર્ડ અને AMTSના ચેરમેન સહિતના સભ્યોએ કોર્પોરેટરો જેટલુ માનદ વેતન મળે તે માટે રજૂઆત કરી હતી અને મામલો છેક ગાંધીનગર પહોંચ્યો હતો.
તે સમયે મ્યુનિ.હોદ્દેદારો અને કોર્પોરેટરો પણ સ્કૂલ બોર્ડ અને AMTSના સભ્યોની માંગણીઓથી નારાજ થયા હતા. વર્તમાન ટર્મના AMTS અને સ્કૂલ બોર્ડના સભ્યોએ તેમને કોર્પોરેટરોની જેમ લેપટોપ અને પ્રિન્ટર સહિતની ચીજવસ્તુઓની સુવિધા પૂરી પાડવા માટે માંગણી કરી છે. ખરેખર તો ચૂંટાયેલા પ્રતિનિધિ અને નિમાયેલાં પ્રતિનિધિની કામગીરી અલગ અલગ હોય છે, ચૂંટાયેલા પ્રતિનિધિએ વોર્ડમાં પ્રજાકીય પ્રશ્નો પણ હલ કરવાના હોય છે જયારે સ્કૂલ બોર્ડ અને AMTSના સભ્યોને એવી કોઇ જવાબદારી હોતી નથી. તેમ છતાં કોર્પોરેટરો જેવી સુખ-સગવડ ભોગવવાની પ્રબળ ઇચ્છા ધરાવતાં આ સભ્યો ઉપર પ્રસન્ન થઇ ગયેલાં પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહે પણ કોર્પોરેટર જેવી સુવિધા આપવા મંજૂરી આપી દીધી હોવાની માહિતી મળી છે.

મ્યુનિ. ભાજપના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મેયર કિરીટભાઇ પરમારે પણ આનો રસ્તો કાઢતાં કોર્પોરેટરોને લેપટોપ-પ્રિન્ટર વગેરે આપવાના ઠરાવમાં પાછળથી એક લીટીનો સુધારો કરી સ્કૂલ બોર્ડ અને AMTSના સભ્યોનો ઉમેરો કરી નાખવાની સૂચના સેક્રેટરી ઓફિસમાં આપી હતી.