- અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ
- ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે
બનાસકાંઠા :ભાદરવી પૂનમના રોજ તો ગુજરાતના બનાસકાંઠામાં આવેલા માતા અંબેના મંદિરે દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ જામે છે. આ દિવસના રોજ માતા અંબાજીના મંદિરમાં મંગળા આરતી થતી હોય છે અને તેમાં ભક્તોની લાંબી કતારો લાગે છે.
જાણકારી અનુસાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે. અંબાજીમાં પાકીટ ચોરીના બનાવો ભીડમાં બનતા હોય છે. જે અટકાવવા હવે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. મંદિરમાં પ્રવેશતા જ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ચોરી અને અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને ઓળખી પોલીસને જાણ કરશે.
અંબાજીમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ યુક્ત ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ-શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવી રહી છે.