વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે સ્ટેટ હાઈવે અતિ બીસ્માર બન્યા છે. રસ્તાની હાલતને લઈને વાહનચાલકો પરેશાન છે. યાત્રાધામ સોમનાથ દાદાના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે જ્યારે રોડ-રસ્તાઓની હાલત જોઈને પરેસાન થઈ રહ્યા છે. આથી સ્ટેટ હાઈવે તાકિદે મરામત કરવામાં આવે તેવી માગણી ઊઠી છે.
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર હસ્તકના રોડ-રસ્તાઓન હાલત ખૂબજ ખરાબ છે. આ વર્ષે સારા વરસાદને કારણે રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. રોડ પર મોટા ખાડાં પડી ગયા છે. રસ્તાની ખસ્તા હાલત જોતા વાહનચાલકો ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર અને મજબૂત રસ્તાઓની માગ કરી રહ્યા છે. દરમિયાન રાજ્યના વાહન-વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી એ કહ્યું હતું કે રાજ્યમાં હાલ ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.. જ્યાં જ્યાં લોકોએ ફરિયાદ કરી છે ત્યાં સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી પહેલા જ રોડના કામ હાથ ધરવામાં આવે તેવી માગણી ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારી વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે 2021-22 ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા 35 ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.