સુરતમાં લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાકે કરાશે બંધ
અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા ગાર્ડન અને બસ સેવા બંધ કરવામાં આવી હતી. હવે સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે જ્યાં લોકોની ભીડ એકત્ર થાય છે તેવી સ્થળો ઉપર ભીડ ઓછી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાક પછી બંધ રહેશે. આ ઉપરાંત ખાણી-પીણીના વેપારીઓએ રાતના 9 કલાકે ધંધા બંધ કરવા પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સ્કૂલો અને ખાનગી ટ્યુશન સંચાલકોને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા માટે અપીલ કરી હતી. તેમજ કેટલાક વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાર્ડન પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સુરત મહાપાલિકાએ આદેશ કરી દીધો છે કે હવેથી રોજ સાંજે 7 કલાકે પાન, ચા અને લારી ગલ્લાવાળાઓએ ધંધો બંધ કરી દેવો પડશે. શાક માર્કેટમાં પણ ભીડ થતી હોવાથી તેને પણ બંધ કરી દેવા આદેશ કર્યો છે. આ સિવાય રાત્રે 10 કલાકથી કર્ફ્યુની અમલવારી થશે. આ પહેલા રાત્રે 9 કલાકથી ખાણી-પીણીના વેપારીઓએ પણ ધંધા બંધ કરી દેવા પડશે.
ગુજરાતના શહેરી વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કોર્પોરેશનોના કમિશનરોને સંક્રમણ ફેલતુ અટકાવવા જરૂરી કામગીરી માટે આદેશ કરવામાં આવ્યાં છે. જેથી શહેરી વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ લાદવામાં આવી રહ્યાં છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવી શકાય. આ ઉપરાંત સર્વે અને ટેસ્ટીંગની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.