અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસની સાથે સોમવતી અમાસ છે. આ અનોખા સંયોગ ભાગ્યે જ સર્જાય છે. આજે સવારથી જ રાજ્યભરમાં સોમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે.
જ્યોતિષશાસ્ત્રો મુજબ દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે સવિશેષ છે કેમ કે તે સંતતિ, સંપત્તિ અપાવનારી પુણ્યફળદાયી તિથિ છે. આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. બીજી રીતે કહીએ તો આ દિવસે હર-હરિ અને પિતૃ -ની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા માટે પ્રયત્ન કરવાથી સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં તે એકાદ-બે વખત જ આવતી હોય છે.
દરમિયાન સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના કામેશ્વર મંદિર હોય કે, બિલેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ હોય કે ઓમકારેશ્વર દરેક વિસ્તારોમાં આવેલાં શિવમંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. કોરોનાકાળમાં દરેક શિવમંદિરોમાં ભક્તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ભગવાનના દર્શન કર્યાં હતા.ભક્તો જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી હતી. ખાસ કરીને પીપળાની 108 વખત પ્રદક્ષિણા પણ કરી શકાય છે. સાથે જ ‘ઓમ્ વિષ્ણવે નમ:’ મંત્રની માળા કરવી.