અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં વિધાનસભા ભાજપ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરાતા રાજ્યપાલે સરકાર રચવાનું આમંત્રણ કર્યુ હતુ. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના શપથવિધિ સોમવારે બપોરે 2 વાગ્યે ગાંધીનગર ખાતે યોજાશે. દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ શનિવારે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા.જ્યાં મંત્રી મંડળમાં કોને સમાવવા તેની ચર્ચા કરીને યાદી તૈયાર કરાશે. અને રવિવારે મોડી રાત્રે જેમને મંત્રી બનાવવાના છે, તેમને કમલમમાંથી ફોન કરાશે, એટલે મંત્રીપદ વાંચ્છુઓ આજે રાતનો ઉજાગરો કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મોટે પાયે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે એવું આયોજન સંગઠન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે અને સાથે જ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરી દેવામાં આવી છે. નવી સરકારના ચયન માટે સૌપ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, જે અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિ સ્થળે કરવામાં આવી રહી છે.
ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ ડિપાર્ટમેન્ટ (જીએડી)ના અગ્ર સચિવ એકે રાકેશે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી શપથવિધિ સમારોહમાં હાજર રહેશે, સાથે જ અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ અનેક રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વર્ષ 2017માં યોજાયેલી મુખ્યમંત્રીની શપથવિધિની જેમ જ આ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. પ્રત્યેક મંચ 180*40 મીટર મોટો હશે. એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. બીજા મંચ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી બેસે એવી વ્યવસ્થા હશે, જ્યારે ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે બેસવાની વ્યવસ્થા કરાશે.