Site icon Revoi.in

સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીની 120મી જન્મજયંતીઃ વિધાનસભા પોડિયમમાં તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 120મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતુ કે, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિંદુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતુ.

ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્વતંત્રતા વખતે દેશી રાજ્યોના વિલીનીકરણના કામ માટે સરદાર પટેલનું નામ સૂચવનાર મુખરજી જ હતા. કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા. આવા બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા રાજનીતિજ્ઞ, રાષ્ટ્રવાદી અને દેશભક્ત શ્રી શ્યામાપ્રસાદ મુખરજીને કોટિ કોટિ વંદન.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતીએ ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા કહ્યું કે પ્રખર રાષ્ટ્રવાદી નેતા એવા શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એકતા, અખંડિતતા ટકાવી રાખવા અપ્રતિમ યોગદાન આપ્યું હતું. એમની દેશદાઝના અનેક સંસ્મરણો છે ત્યારે નવી પેઢીને દેશદાઝ માટે અનેરૂ યોગદાન પુરુ પાડશે. ભારતની આઝાદી બાદ એકતા, અખંડિતતા માટે ઝઝૂમતા રહ્યા અને એકતા માટે તેમણે મંત્રીપદ જતું કર્યું હતું. તેમના આવા ગુણો આપણને સૌને પ્રેરણાદાયી બની રહેશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ પાઠવતા જણાવ્યું હતુ કે, શ્રી મુખરજી ભારતીય જનસંઘના સંસ્થાપક, મહાન રાષ્ટ્રભક્ત હોવાની સાથે પ્રખર શિક્ષણશાસ્ત્રી હતા. તેઓશ્રી અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા.

મહત્વપૂર્ણ છે કે, રાજયની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો અને આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્રો વિધાનસભા બિલ્ડિંગમાં મુકવામાં આવેલ છે.