લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું
અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. હાલમાં ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. હજુ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.