પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં 16 વ્યક્તિઓના મોત થયાં છે. મૃત્યુ પામનારાઓની ઉંમર લગભગ 19થી 48 વર્ષની વચ્ચે છે. સૌથી વધારે તુરકોલિયામાં 11 વ્યક્તિઓના ઝેરી દારુ પીવાથી મોત થયાં છે. જ્યારે હરસિદ્ધિમાં 3 અને પહાડપુરામાં 2 વ્યક્તિઓના મૃત્યું થયાં છે.
મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજના ઘઉંનો પાક લણ્યા બાદ દારૂની પાર્ટી યોજાઈ હતી. જે બાદ તેઓ રાતના આવીને સુઈ ગયા હતા. સવારે કેટલાક લોકોની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં હતા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પિતા-પુત્રના મોત થયાં હતા. જે બાદ વહીવટી તંત્રએ ગામમાં મેડિકલ ટીમ સ્થળ પર મોકલી હતી. વહીવટી તંત્ર આ મોત ઝાડા અને ફુટ પોઈઝનથી થયાનો દાવો કર્યો છે. પીએમ વગર જ પરિવારજનોએ સાત મૃતદેહની અંતિમવિધી કરી નાખી હતી. જ્યારે 12 વ્યક્તિઓની હાલત ગંભીર છે. તમામ મોત દારૂ પીધા બાદ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસના આદેશ કર્યો છે.
મૃતક છોટુ કુમારની બહેન પ્રતિમા કુમારીએ જણાવ્યું હતું કે, છોટુકુમાર કામ કરવા માટે બાલગંગા ગામ ગયો હતો. ઘઉંની કાપણી બાદ ધ્રુપ પાસવાન નામની વ્યક્તિએ તેને દારૂ પીવડાવ્યો હતો. અહીં લગભગ 6 વ્યક્તિઓની દારૂની પાર્ટી કરી હતી. જેમાં ધ્રુપ પાસવાન સહિત ચાર વ્યક્તિઓના મૃત્યુ થયાં છે.