Site icon Revoi.in

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનનો પ્રારંભઃ દરેક ગામને કોરોના મુક્ત કરવા CMનું આહવાન

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી પ્રધાનો, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યપ્રધાને રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી. આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન તેમણે કર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે ૧૦ વ્યક્તિઓની એક કમિટિ બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય. ગ્રામજનોને તાકીદ કરી કે ૧પ દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરીએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે જ.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ગુજરાત સરકાર આ મહામારી સામે મજબૂતાઇથી લડત આપી રહી છે. રાજ્યમાં ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટથી લઇ હેલ્થ વર્કર સુધી સૌ કોરોના સામેની આ લડાઇમાં સિપાહી બનીને કામે લાગ્યા છે.