પોરબંદરઃ રાજ્યમાં દરિયાકાંઠે આવેલા પોરબંદરને પણ વિમાની સેવાનો લાભ મળી રહ્યો છે. પોરબંદરથી દિલ્હી વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ કરાયો છે. એક અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઇટ ઊડાન ભરશે. હાલ પોરબંદર એરપોર્ટ પરથી પોરબંદર-મુંબઈ વચ્ચે હવાઇ સેવા કાર્યરત છે. હવે દિલ્હી સાથે હવાઈ કનેક્ટીવીટી શરુ થતા પોરબંદરને મોટો ફાયદો થશે.
પોરબંદર શહેર અને જિલ્લાના લોકોને વધુ એક વિમાની સેવાનો લાભ મળશે. પોરબંદર-મુંબઈ બાદ વધુ એક હવાઈ કનેક્ટીવીટીનો લાભ મળવાની શરૂઆત થઈ છે. સ્પાઈસ જેટ દ્વારા પોરબંદર-દિલ્હી-પોરબંદર વચ્ચે હવાઈ સેવા શરુ થતા પોરબંદરના ટુરીઝમને મોટો ફાયદો થશે. પોરબંદર એરપોર્ટ પરથી પોરબંદર-મુંબઈ વચ્ચે જેટ એરવેઝની એક માત્ર ફ્લાઈટ કાર્યરત હતી. ત્યારબાદ પોરબંદર-દિલ્હી વચ્ચે સ્પાઈસ જેટની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. આ ફ્લાઈટ પોરબંદર-દિલ્હી વચ્ચે સપ્તાહમા 4 દિવસ ઉડાન ભરશે. દેશની રાજધાની દિલ્હી સાથે હવાઈ કનેક્ટીવીટીથી પોરબંદર તેમજ સોમનાથ અને દ્વારકાના પર્યટન સ્થળોને પણ ફાયદો મળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ અને દ્વારકામા મધ્યમાં પોરબંદર આવેલું છે જેથી આ બંન્ને ધાર્મિક સ્થળે આવતા પ્રવાસીઓ પણ ઓછા સમયમાં સરળતાથી પહોંચી શકશે. પોરબંદર-દિલ્હી-પોરબંદર વચ્ચે શરુ થયેલી ફ્લાઈટમાં દિલ્હીથી 46 પેસેન્જરો પોરબંદર પહોંચ્યા હતા તેમજ પોરબંદરથી 40 પેસેન્જરોએ દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી.દિલ્હીથી પોરબંદર આવેલા મોટા ભાગના પેસેન્જરો દ્વારકા અને સોમનાથના દર્શને આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોરબંદરમાં કૃષ્ણા સખા સુદામા,ગાંધી જન્મભૂમી અને સાન્દીપની આશ્રમ અને હરિ મંદિર સહિતના સ્થળોની મુલાકાતે દરરોજ દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. પોરબંદર જિલ્લાનો મોટો વર્ગ વિદેશમાં વસવાટ કરતો હોવાથી મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકોને પણ આ સેવાનો લાભ મળશે. પોરબંદર-દિલ્હી-પોરબંદર વચ્ચે શરુ થયેલી ફ્લાઈટને આસપાસના જિલ્લાના પ્રવાસીઓ તરફથી પણ સારો સહકાર મળી રહેશે તેવી આશા રાખવામા આવી રહી છે. પ્રથમ વખત પોરબંદર-દિલ્હી-પોરબંદર વચ્ચે હવાઈ સેવા શરુ થઈ હોવાથી પોરબંદરના સાંસદ રમેશ ઘડૂક પણ આ પ્રસંગે એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવાસીઓને તેમણે આવકાર્યા હતા.સાંસદે જણાવ્યુ હતુ કે,આ ફ્લાઈટ શરુ થતા પોરબંદર તેમજ દ્વારકા અને સોમનાથ આવતા પ્રવાસીઓને પણ ખુબજ સરળતા થશે. દેશની રાજધાની એવા દિલ્હી જવા માટે પોરબંદરવાસીઓને અત્યાર સુધી કલાકોની મુસાફરી કરવી પડતી હતી તેના બદલે હવે સામાન્ય ખર્ચમાં દિલ્હી જઈ શકવાનુ શક્ય બનતા પોરબંદર આવતા પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ તેમજ મેડિકલ સારવાર માટે જતા દર્દીઓ સહિત તમામ લોકો માટે આ ફલાઈટ ઉપયોગી નીવડશે.