જૂનાગઢઃ અંતરિયાળ નેસ વિસ્તારમાં બાળકો માટે સાયન્સ લેબવાનનો પ્રારંભ
અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના નેસ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રસ અને રૂચિ વધે તેવા આશયથી જિલ્લા શિક્ષણ સમિતિ ઘ્વારા સાયન્સ લેબવાન શરૂ કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતેથી આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને જિલ્લા વિકાસ અઘિકારી મીરાંત પરીખે ફલેગ ઓફથી પ્રસ્થાન કરાવ્યું હતુ.
જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા મેદરડા,વિસાવદર અને ભેસાણ મા અંદાજે 22 જેટલા નેસ મા માનવ વસ્તી છે. આ તમામ નેસ અને 4 કેજીબીવી તથા તેને સંલગ્ન પ્રાથમિક શાળાને આ સાયન્સ લેબ વાન થી જુદા-જુદા પ્રયોગોનું નિદર્શન કરી પ્રાયોગિક કાર્ય કરાવવામા આવશે. જેથી અંતરીયાળ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ સાયન્સ લેબ વાનનો આરંભ જિલ્લા વિકાસ અઘિકારીના માર્ગદર્શન નીચે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ વાનમાં એક વિજ્ઞાન શિક્ષક, એક બ્લોક રિસોર્સ પર્સન અને સબંધિત સીઆરસી સાથે રહેશે.લેબ વાનમાં ટેલીસ્કોપ,પેરીસ્કોપ, માઇક્રોસ્કોપ,જુદા જુદા મેગ્નેટ,જુદા જુદા કોષોની સ્લાઇડ તથા મોડલ, પ્રીઝમ સહિતના અન્ય અધતન સાધનોની સજજ છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારશ્રી આર.એસ ઉપાધ્યાય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.