ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવો દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ક્ષણઃ RBI ગવર્નર
નવી દિલ્હીઃ ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવાની બાબત દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે કારણ કે તે વ્યાપાર અને વાણીજ્ય વ્યવહાર માટે ધરમૂળ પરિવર્તન લાવશે. તેમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
મુંબઈમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ અને ભારતીય બેંક અસોસિએશન, તથા બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક પહેલાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના તમામ પાસાઓને ઉકેલવા માંગે છે. રિઝર્વ બેંક 2023 સુધીમાં સંપૂર્ણ રીતે ડિજિટાઈઝ્ડ કિસાન ક્રેડિટ કાર્ડ લોન શરૂ કરવાની આશા રાખે છે.
આરબીઆઈ ગવર્નરે માહિતી આપી કે ગયા મહિને કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર ડિજિટાઈઝેશન સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. લોન આપવા માટેની આ એક ડિજિટાઇઝ્ડ પ્રક્રિયા છે અને ખેડૂતોએ લોનની મંજૂરી માટે વારંવાર બેંકોમાં જવાની જરૂર નથી.
તેમણે કહ્યું હતું કે, તહેવારોની મોસમમાં માલના વેચાણમાં નોંધપાત્ર સુધારો થયો છે. નાણાકીય નીતિમાં ફેરફાર સાથે, વિશ્વભરના બજારોમાં નાણાકીય સ્થિતિ કડક થઈ છે અને નાણાકીય સ્થિરતાનાં જોખમોમાં વધારો થયો છે. ભારતીય અર્થતંત્ર તેના વ્યાપક આર્થિક સૂચકાંકોથી સતત મજબૂતાઈ મેળવી રહ્યું છે. ભારત આજે વિશ્વ માટે સ્થિતિસ્થાપકતા અને આશાવાદનું ચિત્ર રજૂ કરે છે.
ફુગાવા અંગે દાસે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ફુગાવો ઊંચો છે અને કેન્દ્રીય બેંક તેના પર ચાંપતી નજર રાખી રહી છે. સમગ્ર બજારોમાં નાણાકીય સ્થિતિ તીવ્રપણે કડક થઈ ગઈ છે અને નાણાકીય સ્થિરતાના જોખમો છે. મૂડી અનામતની ખોટ, આયાતી ફુગાવો અને ચલણમાં ઘસારો થયો છે એમાં ભારતમાં અર્થતંત્ર ઝડપથી બેઠું થઈ રહ્યું છે. રાજકોષીય અને નાણાકીય નીતિઓ સંતુલિત છે અને અર્થવ્યવસ્થા બેઠી થઈ રહી છે.