અમદાવાદ:દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. અહીં સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા. આ સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. અમિત શાહ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂજા કરાયેલ પાઘ સોમનાથ મહાદેવના શૃંગાર અર્થે અર્પણ કરવામાં આવી હતી અને તે પાઘ સોમનાથ જ્યોતિર્લિંગ પર શ્રુંગારીત કરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા નવીનીકરણ કરાયેલ આધુનિક મોબાઈલ એપનું અમિત શાહના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બનીને દર્શન, રૂમ બુકિંગ, દર્શનીય સ્થળોની માહિતી, ઓનલાઇન પ્રસાદ અથવા વસ્ત્ર પ્રસાદ ઓર્ડર, સહિતના અનેકવિધ કાર્ય એક ટચ થી સોમનાથ યાત્રા એપ્લિકેશન દ્વારા થઈ શકશે.
ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ અને અર્બન હેલ્થ વિભાગ દ્વારા MoU સાઇન કરવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના સ્વસ્તિક પ્લાઝા કૉમ્પ્લેક્સમાં આરોગ્ય ધામ માટે વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે. ગુજરાત સરકારના અર્બન હેલ્થ વિભાગ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટ આ આરોગ્ય ધામનું નિર્માણ કરશે. વિવિધ નામાંકિત તબીબો પોતાની કાર્ય સેવા સોમનાથ તીર્થમાં આપી શકે તેના માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેથી સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને નિષ્ણાત તબીબોની સારવારનો સુપેરે લાભ મળશે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ હવે દૂર ક્યાંય આરોગ્ય સેવા શોધવા નહીં જવું પડે.
સોમનાથમાં પ્રતિવર્ષ આવનારા 1 કરોડથી વધુ યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે અનેકવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર, પ્રતિમાસ ડેન્ટલ અને આઇ કેમ્પ સહિતની સુવિધાઓથી એક કદમ આગળ વધીને યાત્રી સુવિધાની દિશામાં એક ઉદાહણરૂપ પેહેલ રૂપ એક વિશાળ આરોગ્ય ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.