Site icon Revoi.in

કાયદાના રક્ષક જ સુરક્ષિત નથીઃ ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા PSI અને કોન્સ્ટેબલને બંધક બનાવાયા

Social Share

લખનૌઃ કાનપુરના કકવાન વિસ્તારના હરિપુરવા ગામમાં, ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને બંધક બનાવીને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. લગભગ અડધો કલાક બાદ પોલીસ આવી અને તેમને મુક્ત કરાવ્યા. હાલ આ કેસમાં એકની અટકાયત કરવામાં આવી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગામના એક પરિવારની એક છોકરી બીજા જિલ્લાના છોકરા સાથે ભાગી ગઈ હતી. 3 ડિસેમ્બરે છોકરીના પિતાએ કાકવાન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઈન્સ્પેક્ટર ગરવિત ત્યાગીએ પણ બંનેને શોધી કાઢ્યાં હતા.  પોલીસના જણાવ્યા અનુસાર બંને પુખ્ત છે અને પરિણીત છે.

ઈન્સ્પેક્ટર ગરવિત ત્યાગી કોન્સ્ટેબલ માધવ સાથે ફરિયાદીના ઘરે ગયા હતા. સંબંધીઓએ ઈન્સ્પેક્ટરને ઘરમાં અંદર આવીને નિવેદન લેવા કહ્યું. જ્યારે ઇન્સ્પેક્ટરે છોકરીના પિતાને સહી કરવાની નોટિસ આપી અને તપાસમાં અંતિમ રિપોર્ટ મૂકવાનું કહ્યું, ત્યારે પરિવારના સભ્યો ગુસ્સે થઈ ગયા. તેઓએ બંને પોલીસ કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. યુનિફોર્મ ફાડી નાખવા સાથે મોબાઈલ પણ છીનવી લીધો હતો. કોન્સ્ટેબલ માધવ કોઈક રીતે ત્યાંથી ભાગી ગયો અને ચોકીના ઈન્ચાર્જ વિધાનને જાણ કરી હતી. આ પછી ગ્રામ્ય પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઈન્સ્પેક્ટરે તેની સુરક્ષા માટે યુવતીની મોટી બહેનની મદદ લીધી હતી. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં સંબંધીઓ કહેતા જોવા મળે છે કે ઈન્સ્પેક્ટરે યુવતીને ગળે લગાવીને તેનું અપમાન કર્યું છે. જોકે ઈન્સ્પેક્ટર પોતાનો બચાવ કરતા જોવા મળે છે.

એસીપી બિલ્હૌર આલોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ઈન્સ્પેક્ટર ગરવિત ત્યાગી ફરિયાદીની નોટિસ પર સહી કરવા ગયા હતા. ફરિયાદી અને તેના પરિવારના સભ્યોએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. જેમાંથી એકની અટકાયત કરવામાં આવી છે. એડિશનલ ડીસીપી લખન સિંહ યાદવ અને એડિશનલ સાઉથ અંકિતા શર્માએ શિવરાજપુર પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલનું નિવેદન નોંધ્યું હતું.