ન્યાય ક્ષેત્રમાં મોટા સ્તર પર પરિવર્તન થયું છે. સાત રાજ્યોની હાઈકોર્ટમાં શુક્રવારે ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવી છે. આ જાણકારી કાયદા મંત્રાલયે આપી છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિશંકર ઝાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તે રીતે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ અજય લાંબાને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના જજ જસ્ટિસ ઈન્દ્રજીત મોહંતીને રાજસ્થાનના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટના જજ જસ્ટિસ મણિકુમારને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ રીતે કર્ણાટકના જજ જસ્ટિસ એલ. એન. સ્વામીને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ જસ્ટિસ જે. કે. માહેશ્વરીને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.
ગૌહાટી હાઈકોર્ટમાં જજ જસ્ટિસ એ. કે. ગોસ્વામીને સિક્કીમ હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કોલકત્તા, તેલંગાણા અને મધ્યપ્રદેશના જજ જસ્ટિસ બિશ્વનાથ સોમ્માદર, જસ્ટિસ પી. વી. સંજયકુમાર અને જસ્ટિસ વિવેક અગ્રવાલને અલ્હાબાદ, પંજાબ-હરિયાણા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જસ્ટિસ વી. રમાસુબ્રમણ્યમ, કૃષ્ણ મુરારી, એસ. રવિન્દ્ર ભટ અને ઋષિકેશ રાયે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા તેઓ હિમાચલ, પંજાબ-હરિયાણા, રાજસ્થાન અને કેરળમાં ચીફ જસ્ટિસ હતા.