Site icon Revoi.in

લવજેહાદના કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશેઃ વિજય રૂપાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભામાં આગામી બજેટ સત્રમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ હિન્દુઓની દીકરીઓ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય. લવજેહાદના કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. કોરોના મહામારીને મ્હાત આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે ગોધરામાં ચૂંટણીસભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા માટે લાયક નથી. કોંગ્રેસ વિરોધપક્ષ માટે પણ લાયક નથી. લોકોએ ગોતી ગોતીને સફાયો કર્યો છે. 28મી નું મતદાન કોંગ્રેસના સફાયાનું મતદાન છે મુસલમાનો પણ કોંગ્રેસને ઓળખી ગયા છે. કોંગ્રેસે રાજકારણ કર્યું છે પરંતુ લોકોની સેવા કરી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં વિકાસના કામો થયાં છે અને થતા રહેશે. તેમજ ગુનેગારો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂમાફિયાઓ સામે 130 કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ છે. ગુંડા એક્ટ દ્વારા પણ લોકોની સુરક્ષાનું ધ્યાન રખાઈ રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 51 જેટલી નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 જેટલી તાલુકા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા રાજ્યભરમાં રલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. જો કે, છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય જીતને પગલે ભાજપના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે.