Site icon Revoi.in

સુરતમાં અઠવાલાઈન્સથી કોર્ટના સ્થળાંતર સામે વકીલોની રેલી, સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજુઆત

Social Share

સુરતઃ શહેરમાં કોર્ટને અઠવાલાઇન્સ વિસ્તારમાંથી  જીયાવ બુઢિયા વિસ્તારમાં સ્થળાંતર કરવા સામે વકિલો મેદાને પડ્યા છે. કોર્ટના સ્થળાંતરના વિરોધમાં વકીલો તમામ રીતે લડી લેવાના મૂડમાં છે. સરકાર દ્વારા જીયાવ બુઢિયા વિસ્તારમાં કોર્ટને સ્થળાંતર કરવા જગ્યા ફાળવી છે. જેના વિરોધમાં સુરતના વકીલો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે 1500થી વધુ વકીલો દ્વારા કોર્ટથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી. ‘આધી રોટી ખાયેંગે, જીયાવ નહિ જાયેંગે’ સહિતના સૂત્રો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર પોલીસ દ્વારા બેરિકટે લગાવી રોકવા છતાં વકીલો પોલીસના બેરીકેટ તોડી અંદર ઘૂસી ગયા હતા. અને કલેક્ટર કચેરીમાં કોર્ટ સ્થળાંતરને લઈ ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.

શહેરના વકિલોના કહેવા મુજબ સુરત કોર્ટ બિલ્ડિંગ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં છે અને તે શહેરના મધ્યમાં આવી છે. જો કે, કોર્ટમાં વધતા ટ્રાફિકને કારણે જગ્યા નાની પડી રહી છે, જેને લઇ નવી કોર્ટની સ્થાપના માટે સરકાર દ્વારા શહેરની બહાર ઔદ્યોગિક વિસ્તાર ગણાતા જીયાવ બુઢિયા વિસ્તારમાં વિશાળ જગ્યા ફાળવી આપી છે પરંતુ, વકીલો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. વકીલોની સુરક્ષા, મહિલાઓની સુરક્ષા, પોલીસકર્મીઓની સુરક્ષા અને પક્ષકારોની સુરક્ષાને લઈ ફાળવવામાં આવેલી જગ્યા અયોગ્ય ગણી કોર્ટને ત્યાં સ્થળાંતર નહીં કરવા વકીલો એક સૂરે લડત ચલાવી રહ્યા છે ત્યારે વકીલો દ્વારા કોર્ટ સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સુરત બાર એસો. સાથે સુરત કોર્ટના વકીલો કોર્ટ સ્થળાંતરને લઈ છેલ્લા ઘણા સમયથી જુદી-જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. અગાઉ વકીલો દ્વારા લાલ રીબીન બાંધી કોર્ટની કાર્યવાહી કરી વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે આજે 1500થી વધુ વકીલો દ્વારા રસ્તા પર રેલી કાઢીને કોર્ટ સ્થળાંતરનો વિરોધ કર્યો હતો. વકીલો દ્વારા સુરત કોર્ટ બિલ્ડીંગથી લઇ કલેકટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો.

સુરત શહેરના વકીલો દ્વારા ગુરૂવારે કોર્ટ બિલ્ડીંગથી લઈ કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવેલી રેલીમાં જુદા-જુદા પ્રકારના બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. ‘આધી રોટી ખાયેંગે, જીયાવ નહીં જાયેંગે’, ‘વકીલ એકતા જિંદાબાદ’ સહિતના પ્લે કાર્ડ અને સૂત્રોચાર સાથે કોર્ટથી કલેકટર કચેરી સુધીનો રસ્તો ગુંજી ઉઠ્યો હતો. સુરતના તમામ વકીલો એક સૂરે હવે કોર્ટ સ્થળાંતર બિલ્ડીંગના મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે. કલેકટર કચેરી સુધી નીકળેલી રેલીમાં 1500થી વધુ વકીલો કલેકટર કચેરી પાસે પહોંચ્યા ત્યારે કચેરી બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. વકીલોને કલેકટર કચેરીમાં અંદર પ્રવેશવા પોલીસ દ્વારા બેરીકેટ લગાવીને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન વકીલો દ્વારા પોલીસ સામે ઉગ્ર સૂત્રોચાર અને વિરોધ કરી અંદર ઘૂસવાનો જબરજસ્તી પ્રયાસ કર્યો હતો ત્યારે વકીલોએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરીકેટ તોડીને કલેકટર કચેરીમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અનેક વકીલો અને મહિલા વકીલો ધક્કામૂક્કીમાં પડી પણ ગયા હતા.