Site icon Revoi.in

ભાવનગરમાં CGSTના અધિકારીઓ પર હુમલા કેસના ચાર આરોપીની LCBએ કરી ધરપકડ

Social Share

ભાવનગરઃ શહેરમાં સી- જીએસટીના અધિકારીઓ પર હુમલાનો બનાવ બનતા ગાંધીનગરથી આરોપીઓને ત્વરિત ઝડપી લેવા તાકિદ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટમાં ગત તા.13-7ના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે લઈ સર્ચ માટે પહોંચી હતી. એ દરમિયાન ફલેટમાં રહેલા આરોપીઓએ અધિકારીઓને ધમકાવી ગેરવર્તણુંક કરી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં રેન્જ આઈજીએ સીટની રચના કરી આરોપીઓને તત્કાળ ઝબ્બે કરવા આદેશો કરતાં લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ચાર આરોપીઓની શહેરમાંથી ધડપકડ કરી હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં ગત તા.13 જુલાઈના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની એક ટીમ બોગસ બિલીંગ અંગે તપાસ કરવા માટે આવી હતી. અને મળેલી માહિતી આધારે સ્થાનિક જીએસટીના અધિકારીઓને સાથે રાખી શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફલેટ નં-321માં પહોંચી હતી જયાં ફલેટને બહારથી તાળું મારેલું હોય આથી અધિકારીઓએ આસપાસના પડોશીઓને પુછતાં કોઈ વ્યક્તિએ ઉત્તર આપ્યો ન હતો આથી અધિકારીઓએ ફલેટ ધારકને મોબાઈલ કોલ કરી સ્થળ પર બોલાવ્યો હતો. ફ્લેટના માલિક ન આવતા અધિકારીઓ અગાસી ઉપર તપાસ માટે જતાં કેટલાક શખ્સો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં જોવા મળ્યા હતાં આ શખસોને સીજીએસટીના અધિકારીઓ હોવાની ઓળખ આપી પુછતાછ કરતાં ચારેય શખસોએ અધિકારીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને તૌફિક હાલારી નામના શખ્સે અધિકારીઓ ને કહ્યું કે ફલેટ માલિકને ઓળખો છો ? ત્યારબાદ તૌસીફ પરમાર ઉસ્માન ખોખરએ અધિકારીઓ ને ગાળો આપી  આ અમારા બાપની અગાશી છે તમે કોને પુછી અહીં રેડ કરવા આવ્યાં તેમ કહી હુમલો કરી માર માર્યો હતો અને હવે પછી અહીં આવશો તો જીવથી જશો એવી ગર્ભિત ધમકી આપી હતી

આ અંગે અધિકારીઓએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સીટની રચના કરી હુમલાખોરોને તત્કાળ ઝડપી લેવા આદેશ કરતાં શનિવારે લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તૌસીફ રફીક પરમાર, જુહુર ઉર્ફે ડોન નિસાર કાઝી, ઉસ્માન અબ્દુલ કરીમ ખોખર અને હારૂન ગફાર વારૈયાની ધડપકડ કરી હતી અને આ આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે હુમલો કરેલો તે સ્થળે લઈ જઈને આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ અંગે પોલીસે મુખ્ય સૂત્રધ્ધાર સહિત ફરાર આરોપીઓને ઝડપી લેવા કાયદાનો ગાળીયો કસ્યો છે.