ગાંધીનગરઃ જિલ્લામાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેથી એસપીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક્ટિવ કરતાં ચડ્ડી-બનિયનધારી ખજુરીયા ગેન્ગનો મુખ્ય સૂત્રધારને દબોચી લેવાયો હતો. આરોપી રામસીંગ નરસુભાઇ પલાસ(રહે. લક્ષ્મીકાંટા પાસે, ગોસાઇકુંજ સોસાયટી, રેલ્વેપુર્વ, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે,આંબલી, ખજુરીયા, દાહોદ) લુંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં જામીન મેળવીને ફરીથી નવી ગેંગ બનાવી ગાંધીનગરમાં ગુના આચરી રહ્યો હતો.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લામાં ચોરી, લૂંટફાટ-ધાડ પાડતી ખજુરીયા ગેન્ગના મુખ્ય સૂત્રધારને દબોચી લેતા 13 ગુનાનો ભેદ ઉકેલાયો છે. થોડા દિવસો અગાઉ કલોલ મહેસાણા હાઇવે રોડ પર મારુતિનાં નંદા ઓટો મોબાઇલ્સ શોરૂમમાં ઉક્ત ગેંગે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ધાડનાં ગુનાને અંજામ આપવામાં આવતા ખુદ એસપી રવિતેજા વાસમ સેટ્ટીએ સ્થળ વિઝિટ કરી ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકી એલસીબીની ટીમોને એક્ટિવ કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબીના બંને અધિકારીઓને સંયુક્ત રાહે દાહોદ જિલ્લા ખાતેનાં અંગત આધારભૂત સુત્રોથી માહિતી પ્રાપ્ત થયેલી કે, દાહોદ જિલ્લાની ચડ્ડી બનીયાનધારી ખજુરીયા ગેંગનો મુખ્ય સુત્રધાર રામસીંગ નરસુભાઇ પલાસ (રહે. લક્ષ્મીકાંટા પાસે, ગોસાઇકુંજ સોસાયટી, રેલ્વેપુર્વ, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે,આંબલી, ખજુરીયા, દાહોદ) લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં જામીન મેળવીને ફરીથી નવી ગેંગ બનાવી ગાંધીનગરમાં ગુના આચરી રહ્યો છે. જે રાજકોટ શહેર તથા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરી રહ્યો છે. આથી વોચ ગોઠવીને ખજુરિયા ગેન્ગના મુખ્ય સૂત્રધારને દબોચી લીધો હતો.
આ અંગે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, ઉક્ત ગેંગનો મુખ્ય સૂત્રધાર રામસીંગ પલાસ કલોલ ખાતે રહી મજુરી કરવાની આડમાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રીના સમયે તેની ગેંગના સાગરીતો બોલાવી લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીઓ કરતો હોવાની પાક્કી બાતમી મળી હતી. જેનાં પગલે પોલીસની ટીમોએ મજૂરોનો વેશ પલ્ટો કરી કલોલથી માણસા જતા રોડ ઉપર બ્રીજના છેડે બાપા સીતારામ મંદિર નજીક વોચ ગોઠવી ખુંખાર રામસિંગને ઉઠાવી લીધો હતો. આરોપીએ ઇન્ટ્રોગેશન દરમિયાન કબૂલાત કરી હતી. કે, ખજુરીયા ગામની ચડ્ડી બનીયાન ધારી ગેંગના સાગરીતો વસના ભાવસીંગભાઇ પલાસ,બોડા રામસીંગભાઇ ભાભોર,શૈલેષ ઉર્ફે શીલા માવસીંગભાઇ પલાસ, કબન સબુભાઇ ડાંગી ભેગા મળી ગાંધીનગર જિલ્લામાં રાત્રીના સમયે લૂંટ તેમજ ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતાં.