Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.માં ભાજપના સત્તાધિશો દ્વારા વિપક્ષના નેતાને BRTS બોર્ડમાંથી દુર કરી દેવાયા

Social Share

અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષનું સ્તાન પણ મહત્વનું છે. વર્ષોથી એક પ્રણાલિકા ચાલી આવે છે કે, સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષને પણ કમિટીઓમાં સ્થાન અપાતું હતું. વિધાનસભામાં પણ અધ્યક્ષ સત્તાધારી પક્ષના હોય તેથી પાધ્યક્ષપદે વિપક્ષને સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં આ પ્રણાલિકા તૂટી ગઈ છે. અમદાવાદ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. વિપક્ષ કોંગ્રેસના એકપણ સભ્યોને સ્ટેન્ડીંગ કમિટી સહિત અન્ય 12 કમિટીઓમાં ન સમાવવા મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે અન્ય કોર્પોરેટરો સાથે ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટી પહેલા ભાજપના સભ્યોને ફૂલ આપી અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કમિટીમાં સમાવવાની માગના થોડા સમયમાં વિપક્ષના નેતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ BRTS બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. વિપક્ષના નેતાની સ્થાને ડેપ્યુટી મેયરનો ભાજપે સમાવેશ કર્યો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે. ત્યારે કોંગ્રેસને એકપણ કમિટીમાં સ્થાન અપાયું નથી. તેનો કોંગ્રેસે વિરોધ કરતા મ્યુનિના વિપક્ષના નેતાને બીઆરટીએસ બોર્ડમાં સ્થાન અપાયું હતું તેને પણ રદ કરી દેવાયું છે. સ્ટેન્ડિંગ કમિટીએ કોંગ્રેસ ઉગ્ર વિરોધ ન કરે તેના માટે તાકીદમાં કામ લાવી મંજુર કરી દીધું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દાની રૂએ વિપક્ષના નેતાનો BRTS અને રિવરફ્રન્ટ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણે તમામ કમીટીઓમાં વિપક્ષના સમાવેશ કરવાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિ પહેલા ચેરમેન હિતેશ બારોટ, મેયર કિરીટ પરમારને ગુલાબના ફૂલ આપ્યા હતા. જો કે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે કોંગ્રેસના કોર્પોરેટરોને સમાવેશ કરવાની વાત તો દૂર તેમના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણને જ BRTS બોર્ડમાંથી દૂર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે બહાર વિરોધ કર્યો પરંતુ તેમને તાકીદમાં પોતાને જ એક બોર્ડમાંથી સભ્ય તરીકે દૂર કરવામાં આવશે તેવા તાકીદના કામ મંજુર માટે લાવવામાં આવ્યા છે તેની ગંધ પણ આવી ન હતી. વિપક્ષના નેતાને દૂર કરી તેમના સ્થાને ડેપ્યુટી મેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષના નેતાને ક્યાં કારણોસર દૂર કરાયા છે તેની કોઈ માહિતી કે કારણ જાહેર કરાયું નથી. ભવિષ્યમાં નાગરિકોને મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે જનમાર્ગ સેવાઓનું “મેટ્રો રેલ”, “ઈ-રીક્ષા” તથા માય બાઈક જેવી સેવાઓ સાથે ઈન્ટીગ્રેશન કરવું જરૂરી છે જેના માટે ઝડપથી નિર્ણય થઈ શકે તે માટે BRTS બોર્ડ ઓફ ડીરેક્ટરના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણો જાહેર થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના BRTS બોર્ડના ચેરમેન તરીકે મ્યુનિસિપલ કમિશનર, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના ડિરેક્ટર રાજ્ય સરકારના બે પ્રતિનિધિ તરીકે નાણાંવિભાગ અને સ્ટેટ અર્બન ડેવલપમેન્ટના પ્રિસિપલ સેકેટ્રરી નિષ્ણાંતો તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે સભ્યો રહેશે.સભ્યોમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર (BRTS), AMTS ચેરમેન, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઔડા) વગેરેને યથાવત રાખવામાં આવ્યા છે.