- એસટીની નવી વહિવટી કચેરીનું નવુ બિલ્ડિંગ બે મહિનાથી તૈયાર છે,
- આરટીઓની કચેરીનું નવુ બિલ્ડિંગ તો એક વર્ષથી તૈયાર છે,
- બન્ને કચેરીઓના કર્મચારીઓ નવી ઓફિસ માટે રાહ જોઈ રહ્યા છે
રાજકોટઃ શહેરમાં એસટીની ડિવિઝન કચેરીનું નવુ બિલ્ડિંગ બે મહિનાથી તૈયાર થઈને ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. જ્યારે આરટીઓ કચેરીનું બિલ્ડિંગ પણ એક વર્ષથી તૈયારી થઈને લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. બન્ને બિલ્ડિંગોના ઉદઘાટન માટે ગાંધીનગરમાં મંત્રીઓ પાસે સમય માગ્યો છે, પણ નેતાઓને ટાઈમ ન મળતાં બન્ને નવા બિલ્ડિંગો ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે.
રાજકોટ શહેરમાં એસટીની ડિવિઝન કચેરી અને આરટીઓ કચેરીના નવી બિલ્ડિંગો નિર્માણ થયા છતાંયે બે વિભાગની નવી વહીવટી કચેરી કોઈ કારણોસર કાર્યરત થઈ શકી નથી. જેને કારણે બન્ને વિભાગની વહીવટી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે જૂની જર્જરિત વહિવટી કચેરીમાં કામ કરી રહ્યા છે. જ્યાં અરજદારોની અવરજવર પણ રહેતી હોવાથી જોખમ ઊભું થયું છે. રાજકોટ ST વિભાગની નવી વહીવટી કચેરી જે ગોંડલ રોડ ST વર્કશોપના મેદાનમા આવેલી છે. જે રૂ.7 કરોડનાં ખર્ચે બે મહિના પહેલા નિર્માણ પામી પરંતુ તેમા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તારીખ પે તારીખ આપતા લોકાર્પણ થઈ શક્યું નથી. જેથી, બાજુમાં આવેલી જૂની જર્જરિત કચેરીમાં વિભાગીય નિયામક જે.બી. કલોતરા ઉપરાંત 100થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
રાજકોટ શહેરમાં રૂ. 9 કરોડનાં ખર્ચે નવનિર્મિત આરટીઓની વહિવટી કચેરીનું બિલ્ડિંગ એક વર્ષથી વધુ સમયથી તૈયાર છે પરંતુ, ત્યાં ફર્નિચરનુ કામ બાકી હોવાથી જૂની કચેરીમાં ઇન્ચાર્જ RTO અધિકારી કેઠ ખપેડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને નાછૂટકે જર્જરિત કચેરીમાં બેસી કામ કરવું પડે છે. રાજકોટ ST વિભાગની નવી વિભાગીય કચેરી રૂ.7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી છે. જે ઓગસ્ટ માસમાં તૈયાર થઈ ચૂકી છે પરંતુ, લોકાર્પણના અભાવે હજુ સુધી આ વહીવટી કચેરી કાર્યરત થઈ નથી અને તેને કારણે એસટી વિભાગના વિભાગીય નિયામક તેમજ વહીવટી અધિકારી સહિત 100 જેટલા કર્મચારીઓને જૂની જર્જરીત વહીવટી કચેરીમાં જીવના જોખમે દરરોજ કામ કરવું પડે છે. નવી વહિવટી કચેરીમાં કર્મચારીઓ જેટલા મોડા શિફ્ટ થશે તેટલું મોડું જૂની કચેરીની જગ્યા પર ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનું કામ શરૂ થવામાં મોડું થશે.
રાજકોટ STના વિભાગીય નિયામક જે.બી. કરોતરાએ અગાઉ ઓગસ્ટ માસમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામા આવી છે. હાલ રાજકોટ STની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. રાજકોટ STના વિભાગીય નિયામકની સાથે વહીવટી અધિકારી ધવલ વાઘેલા તેમજ ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરની કચેરી આવેલી છે.