સુરતઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જે અંતર્ગત 28 એપ્રિલને રવિવારે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ભાજપ સામે પ્રહાર કર્યા હતા.
બારડોલી ખાતે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવોએ સભા સંબોધી હતી. આ સંમેલનમાં અંદાજિત 10,000 વધુ ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું કે સરદારની આ ધરતીને હું નમન કરું છું. આ રાજકીય અધોપતન છે. રાજકીય લેવલે તમે જયારે પ્રતિનિધિત્વ કરો છો તો તમે સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ઘણા લોકો એવા છે જે અહીંયા નથી આવતા પણ ઘરે બેઠા બેઠા જોતા હોય છે. રૂપાલાનું નિવેદન આજે પણ માફી લાયક નથી અને આવતીકાલે પણ નથી. જૂનાગઢના ભાજપ નેતાએ પણ વાણીવિલાસ કર્યો હતો. મહિલાઓ ઉપરાંત વિકલાંગોનું પણ આપમાન હતું. અમને હિંદુત્વના નામે ડરાવાઈ રહ્યા છે. હિન્દુત્વ કેવી રીતે બચાવવું એ અમને કોઈ સલાહ દેવા ન આવે. પોલીસ મિત્રો અને દેશના જવાનો દેશની-હિન્દુત્વની સુરક્ષા કરે છે. આ લડાઈ હાર- જીતની નથી, અમારી અસ્મિતાની છે. અમે અમારી વર્તમાન અને ભવિષ્યની પેઢીને ગુલામી આપીને જવાના નથી. હજી આવનારા દિવસો ઘણા કપરા આવવાના છે. તમે એ ધ્યાન રાખીને વોટ કરજો કે 52000 બુથ પર રૂપાલા છે.
પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આજે આપણે શા માટે ભેગા થયા એ આપ સૌ જાણો છો. 562 રજવાડાઓ લોકતંત્ર લાવવા પોતાના રજવાડા આપી દીધા હતા. સરકારે પણ તેમને રાજ્યસભામાં સ્થાન આપવાની વાત કરી હતી, પણ સ્થાન મળ્યું નથી. વિધાનસભામાં પણ આપણને કટ ટુ સાઈઝ કરવામાં આવ્યા. લોકસભામાં પણ આપણને ટિકિટ મળી નથી. રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં 10 બેઠકો ગુમાવશે અને રૂપાલા તો 1000 ટકા હારશે. રૂપાલા હાય હાયના નારા લાગ્યા. એમને એમ હતું કે ચાર દિવસ આંદોલન ચાલશે અને પ્રોપર્ટીની તોડફોડ કરશે, પણ અમે કોઈ પ્રોપર્ટીને નુકશાન કરવાના નથી. અમારી લડાઈ રાજકીય છે જ નહીં, પણ તમે અમને મજબુર કર્યા. જામનગરના બેન તો ઘણા ગભરાઈ ગયા છે. અશ્વમેઘ રથ રાજકોટ તરફ પણ જશે. રાજકોટ બેઠક માટે અમે બુથ કમિટી પણ બનાવી દીધી છે અને મધ્યસ્થ કાર્યાલય પણ બનાવી દીધું છે. મોદી સાહેબે કહ્યું છે કે સ્વસ્થ ભારત, આપણે EVMમાં ભાજપ સામેનું બટન અડક્યા વગર સાફ જ રાખવાનું છે.