મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સરકાર બચાવવા મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શિવસેના દ્વારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન ગુવાહાટીમાં સમર્થકો સાથે બેઠેલા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેનાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે, તેમજ ધારાસભ્યો ઉપર દબાણા વધારવાના પ્રયાસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે, કેટલાક ધારાસભ્યો સામે ધારાસભ્ય પદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, આ કામગીરી અમને ડરાવવા માટે કરવામાં આવી રહી છે, આવી નોટિસથી કોઈ ફેર પડતો નથી, અમારી સાથે શિવસેનાના 37થી વધુ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યો છે, આમ અમને ગ્રુપ બનાવતા નિયમ અનુસાર રોકી શકાય નહીં, આ દેશમાં લોકશાહી છે પરંતુ તેઓ અમારી ઉપર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ભાજપના સમર્થનનો એકનાથ શિંદેએ ઈન્કાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ધારાસભ્યો ગુવાહાટી આવ્યાં છે તેઓ પોતાની મરજીથી આવ્યાં છે અને એફીડેવીટ પણ કર્યું છે. આ ઉપરાંત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પણ જાણ કરવામાં આવી છે. એનસીપીના નેતા શરદ પવાર ભારતીય રાજકારણના સિનિયર નેતાઓનું જણાવીને તેમના વિશે અન્ય કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપને કારણે મહાવિકાસ અઘાડી સરકારના નેતાઓ અને કાર્યકરો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. આજે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમજ બળવો અયોગ્ય હોવાનું જણાવીને બળવાખોર ધારાસભ્યો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.