Site icon Revoi.in

કોંગ્રેસમાં જે નેતાઓ હીરો હતા, તે પાટલી બદલીને ભાજપમાં ઝીરો થઈ ગયાઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠી છે. જેમાં ખાસ કરીને રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ પોતાનો સ્વાર્થ અને ભવિષ્યને ધ્યાને રાખીને પક્ષાંતર કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી પણ ઘણા નેતાઓ વાડ ઠેકીને ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા છે. ત્યારે આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે નેતાઓ હીરો હતા તે ભાજપમાં જઈને ઝીરો થઈ ગયા છે.

ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાની વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓની તૈયારીને લઈને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમા જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ માટે  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.વરતેજ ગામ નજીક ખાનગી રિસોર્ટમાં યોજાયેલી તાલીમ શિબિરમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના જુના નેતાઓ તેમજ વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યાં હતા. શિબિરમાં આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલના મામલે જણાવ્યું હતું કે, હાર્દિક નાની વયનો છે, અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે. ભાજપમાં તો એવી સ્થિતિ છે કે, ત્યાં આકાઓ સાથે કોઈ બોલી પણ શકતું નથી અને જો બોલે તો હરેન પંડ્યા જેવી દશા થાય છે. તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓ ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં તેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ હીરો હતા, જયારે ભાજપમાં જીરો થઇ ગયા છે.

શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આવી રહેલા આપ માટે કહ્યું કે ગુજરાતની જનતા ત્રીજા મોરચાને કયારેય સ્વીકારતી નથી. ભૂતકાળમાં અનેક ત્રીજા પક્ષોએ પ્રયાસો કરી જોયા છે. પ્રજા ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને ક્યારેય સ્વીકારતી નથી. આગમી વિધાનસભામાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો મુકાબલો થવાનો છે.