ગુજરાત કાર્ગો હેન્ડલીંગ, લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરેઃ CM ભુપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ”લોકલ ગોઝ ગ્લોબલ” વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં વિદેશી હૂંડિયામણમાં વધારા કરી ચરિતાર્થ કરી શકાશે. આ સંદર્ભમાં તેમણે વિશ્વના બજારોમાં ભારતીય પ્રોડક્ટસની ગ્લોરીને ફરી ઊજાગર કરી વૈશ્વિક બજારો રિ-કેપ્ચર કરવાના ધ્યેય સાથે રાજ્યના ઉદ્યોગકારોને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પ્લાસ્ટિકની કાચી સામગ્રી, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, ડાઈ, સિરામિક વગેરેની નિકાસમાં ગુજરાત મોખરે હોવાનું જણાવી પાટણના પટોળા, કચ્છની એંબ્રોઇડરી,સંખેડાનું ફર્નીચર, જામનગરની બાંધણી જેવા પરંપરાગત ઉત્પાદનોને જી.આઇ. ટેગ અપાવી તેના એક્સપોર્ટમા પણ ગુજરાત સફળ રહ્યુ છે, તેમ ઉમેર્યુ હતું.
‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ એટલે કે જીલ્લાવાર વિશેષ પ્રોડક્ટની નિકાસ માટે રાજ્યમાં વિશેષ સવલતો અને સહાય ઉપલબ્ધ કરાવવાના પરિણામ સ્વરૂપે દેશના કુલ એક્સપોર્ટમાં ૩૦ ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રેસર છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.ગુજરાતમાં દેશના કોઇપણ ઉદ્યોગકારને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપવા અનુકૂળ વાતાવરણ અને ઇઝ ઓફ ડૂઇંગ ઓફ બિઝનેસની સાનુકૂળ સુવિધાઓ અને તકો પ્રાપ્ત થઇ છે. ગુજરાત કાર્ગો હેન્ડલીંગ અને લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પેરિશેબલ ગુડ્સ એક્સપોર્ટ કરવાની સુવિધાયુકત 10 એર ફ્રેઇટ ટર્મિનલ ઉપરાંત રોડ, રેલ્વે, એર-વે અને વોટર-વે કનેક્ટીવીટી સાથે ગુજરાત વિશ્વના બજારો સુધી પહોચવા માટેનું ગેટ-વે બની શકે તેમ છે. તેમણે આવી ઉત્કૃષ્ટ આંતરમાળખાકીય સેવાઓના પરિણામે ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજારમાં સરળતાએ પહોચાડી શકાય છે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.