ગુજરાત કોરોના રસીકરણમાં અગ્રેસરઃ 50 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કરાયાં સુરક્ષિત
અમદાવાદઃ કોરોના મહામારી સામે ગુજરાત સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતોરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોના સામે રક્ષણ માટે માત્ર વેક્સિન જ ઉપચાર છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 2500થી વધારે સ્થળો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા એટલે કે 2.48 કરોડ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવા માટે વિજય રૂપાણી સરકારે ઠેર-ઠેર વેક્સિન સેન્ટર ઉભા કર્યાં છે. તેમજ લોકોને કોરોનાની રસીને લઈને જાગૃતા ફેલાવવામાં આવી રહી છે. સરકારની કામગીરીને સારો પ્રતિસદ મળ્યો હોય તેમ મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પહોંચે છે. રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના 4.93 કરોડ લોકો રસીકરણ માટે પાત્રતા ધરાવે છે. જે પૈકી 2.48 કરોડથી વધારે લોકોએ કોરોનાનો પ્રથમ ડોઝ લીધો છે. આ ઉપરાંત 77.58 લાખ લોકોએ કોરોનાના બંને ડોઝ લીધા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં એક જ દિવસમાં 4.39 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં હતા. 19.67 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 1.20 કરોડ 45 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા 1.21 કરોડ 18થી 44 ઉંમરના લોકોએ કોવિડ-19ની રસી લીધી છે.
(Photo-File)