Site icon Revoi.in

બનાસકાંઠામાં ઝેરડા ગામ નજીક સીપુ કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઝેરડા ગામ નજીક સીપુ કેનાલમાં ગાબડું પડતાં પાણી કેનાલમાં આગળ જવાને બદલે પાઈપ મારફતે વેડફાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજીબાજુ ખેડુતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. પાણી માટે ટળવળતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાને બદલે પાણી વેડફાઈ જતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સિપુ જળાશય યોજના બનાવવામાં આવી છે. 2017 પછી આ વર્ષે સીપુ જળાશય યોજનાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી મળવાને બદલે કેટલી જગ્યાએ વ્યર્થ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મંગળવારે  સીપુ કેનાલમાં મોટું ગાબડું પડ્યા બાદ બીજા દિવસે જ ઝેરડા પાસે કેનાલનું પાણી આગળ જવાને બદલે પાઇપ મારફતે વેડફાઈ રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઝેરડા ગામ પાસે પસાર થતી સીપુ કેનાલમાં પાણી છોડતા જ કેનાલમાં પાણી આગળ જવાને બદલે વચ્ચેથી જ પાઇપ મારફતે વેડફાઈ રહ્યું છે અને લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી વચ્ચેથી જ ફંટાઈ જતા આગળ આવતા ગૂગલ, શેરપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી. ખેડૂતોને પાણી મળવાને બદલે વ્યર્થ વેડફાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.

આ અંગે સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ  ઝેરડા ગામ પાસેથી પસાર થતી સીપુ કેનાલમાં  લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે.