પીએફ ખાતાના કેટલાક મહત્વના નિયમો વિશે આજે જ જાણી લો, નહીં તો પડી જશે તકલીફ
- પોતાના પીએફ ખાતાનું રાખો ધ્યાન
- પીએફ એકાઉન્ટને એક્ટિવ રાખવું જરૂરી
- એક્ટિવ ન રાખવા પર થઈ જાય છે ઈનએક્ટિવ
મુંબઈ : દેશમાં એક એવો મોટો નોકરિયાત વર્ગ છે જેમનું પીએફ કપાતું હશે. પીએફ ખાતાને લઈને તમામ લોકોએ સતર્ક રહેવું જોઈએ. પણ આ ખાતામાં તમારું ટ્રાન્ઝેક્શન થાય છે કે નહી તે પણ ચકાસતા રહેવું જરૂરી છે. આ ખાતું ઘણા કારણોસર બંધ પણ થઈ શકે છે, જેના પછી ખાતાધારકને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નોકરી બદલવા પર, કર્મચારીએ તેનું પીએફ ખાતું જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવાનું હોય છે. જો કર્મચારી આ ન કરે અને જૂની કંપની બંધ હોય તો પીએફ ખાતું બંધ કરી શકાય છે. પરંતુ 36 મહિના સુધી ખાતામાં ટ્રાન્ઝેક્શન નહીં થાય તો ઈપીએફઓ આ ખાતાઓને ‘નિષ્ક્રિય’ (ઇનએક્ટિવ) કેટેગરીમાં મૂકે છે.
જ્યારે ખાતાધારક વિદેશમાં સ્થાયી થાય ત્યારે પણ પીએફ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આ સિવાય, સભ્યના મૃત્યુ પછી અથવા જ્યારે તે સંપૂર્ણ નિવૃત્તિ ભંડોળ પાછું ખેંચે ત્યારે પણ તે નિષ્ક્રિય માનવામાં આવે છે.
પીએફ ખાતામાં 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી વ્યાજ મળતું રહે છે. જો ખાતું સાત વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે, તો જે બેલેન્સનો દાવો નથી કરાયો તે સિનિયર સિટિઝન વેલ્ફેર ફંડ (SCWF) માં ટ્રાન્સફર થઈ જાય છે. SCWFમાં આ રકમ 25 વર્ષ સુધી રહે છે. આ સમય દરમિયાન તમે રકમનો દાવો કરી શકો છો. સરકાર આ ફંડ પર વ્યાજ પણ આપે છે. નિષ્ક્રિય પીએફ ખાતાને ફરીથી ચાલુ કરવા માટે, ઇપીએફઓમાં અરજી કરવાની રહેશે.